પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરે અફઘાનિસ્તાનના કંદહારની મુલાકાત લીધી અને તાલિબાન નેતૃત્વને મળ્યા. ભારતમાં અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર મસૂદે કાશ્મીરમાં પોતાની નાપાક મનસૂબો પાર પાડવા માટે તાલિબાનની મદદ માંગી છે. આ માહિતી સૂત્રોએ આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મસૂદ અઝહરે તાલિબાનની રાજકીય વડા મૌલાના અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી છે. મસૂદ અઝહરે કાશ્મીર ખીણમાં જૈશ-એ-મોહમ્મદની પ્રવૃત્તિઓ ચલાવવા માટે તાલિબાનની મદદ માંગી છે. તાજેતરમાં અઝહરે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે ખુશી વ્યક્ત કરી હતી. 16 ઓગસ્ટના રોજ ‘મંઝિલ કી તરાર’ માં લેખ લખ્યો હતો તેમાં મસૂદે અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનની સફળતાની પ્રશંસા કરી હતી.
આ સંદેશો પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશના મુખ્યાલયમાં આતંકવાદીઓ વચ્ચે ફેલાવવામાં આવ્યો હતો. જૈશે અફઘાનિસ્તાનમાં જીત માટે તાલિબાનને અભિનંદન આપ્યા હતા. તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદ શરિયા કાયદા અંગે સમાન વિચારધારા ધરાવે છે. 1999 માં જેલમાંથી બહાર આવ્યા બાદ જૈશની રચના કરનાર મસૂદ અઝહરે ભારતમાં ઘણા આતંકવાદી હુમલા કર્યા છે.
