Jamnagar BJP Congress Leaders Join AAP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Local Body Elections) આ વખતે ત્રિપાંખિયો જંગ બરાબરનો જામી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંનેમાં વિરોધના સૂર ફાટી નીકળ્યા છે. ટિકિટ ફાળવણીથી નારાજ થયેલા નેતાઓના આક્રોશનો સીધો ફાયદો આમ આદમી પાર્ટી (AAP) ઉઠાવી રહી છે. AAP એ સમયસૂચકતા વાપરીને ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓને પોતાના પક્ષમાં ખેંચીને બંને રાષ્ટ્રીય પાર્ટીઓમાં મોટી દરાર પાડી દીધી છે.
ટિકિટ જાહેર થતાં જ બંને પક્ષોમાં અસંતોષની આગ
ભાજપ દ્વારા જામનગરમાં લાગુ કરાયેલી કડક ‘નો રિપીટ થિયરી’ અને કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે અનેક સક્રિય અને દાવેદાર નેતાઓના પત્તા કપાયા છે. વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડતા કાર્યકરોને ટિકિટ ન મળતા બંને પક્ષોમાં ખુલ્લો બળવો જોવા મળી રહ્યો છે. આ જ નારાજગી અને રાજકીય શૂન્યાવકાશની વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાનો જાળ બિછાવી દીધી છે.
ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખે પહેરી ‘આપ’ ની ટોપી
જામનગર ભાજપને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે ટિકિટ વહેંચણીથી નારાજ થયેલા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો. તેઓ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. લઘુમતી વિસ્તારોમાં સારી પકડ ધરાવતા આ નેતાના જવાથી ભાજપના વોટબેંક સમીકરણો પર સીધી અસર પડી શકે છે.
કોંગ્રેસના સોશિયલ મીડિયા કન્વીનર પણ AAP માં જોડાયા
માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસના કિલ્લામાં પણ AAP એ મોટું ગાબડું પાડ્યું છે. કોંગ્રેસના આઇટી સેલ અને સોશિયલ મીડિયાની મહત્વની જવાબદારી સંભાળતા સોશિયલ મીડિયા કન્વીનરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ છોડીને તેમણે પણ આમ આદમી પાર્ટીનો ઝાડુ પકડી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા પંચાયત માટે BJPની ઉમેદવારોની યાદી જાહેર
આ પણ વાંચો: કોંગ્રેસે મધરાતે અમદાવાદ મનપા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
