Jamnagar News: જામનગર: જામનગર SOGએ ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે ચાલતી ડેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. રહેણાંક મકાનમાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા તત્વો સામે તંત્ર સતર્ક બન્યું છે.
486 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું
SOGની સંયુક્ત બાતમીના આધારે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં સ્થળ પરથી 486 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું હતું. આ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો હતો. આ સામગ્રીનો ઉપયોગ દૂધમાં ભેળસેળ કરવા માટે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેણાંક મકાનમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાથી સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ સીલ કર્યું
દરોડાની જાણ થતાં ફૂડ સેફ્ટી ઓફિસર (Food Safety Officer) સ્થળ પર પહોંચ્યા હતા અને દૂધના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી નક્કી થશે. ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ સીલ કરી તમામ જથ્થો કબજે કર્યો હતો.
વેપારી સામે SOGએ કરી કાર્યવાહી
જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને શંકાસ્પદ દૂધ સહિતના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. દૂધના વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ભેળસેળ કરનારા અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: મોંઘવારી વચ્ચે પશુપાલકોને રાહત: પંચામૃત ડેરીનો દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય
આ પણ વાંચો: મધર ડેરીના દૂધના ભાવમાં ₹2થી ₹4નો વધારો, 12 નવેમ્બરથી નવા દર લાગુ
આ પણ વાંચો: દૂધનું ઉત્પાદન વધ્યું, છતાં ઘી-માખણ મોંઘાં કેમ? જાણો ભાવવધારાનાં 4 કારણ
