રાજકોટ,
રાજકોટના જસદણમાં સૌથી મોટી ઉંમરના મતદારનું નિધન થયું છે. આ મતદારનું નામ નાનુબેન રૂપારેલિયા છે. જે 113 વર્ષે અવસાન પામ્યા છે.
જસદણના સૌથી મોટી ઉંમરના મતદાતા 113 વર્ષના નાનુબેન રૂપારેલિયાનું નિધન થતાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. તેઓએ અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમના આ કાર્ય માટે તો જસદણ નગરપાલિકા દ્વારા સન્માન કરાયું હતું. નાનુબેનના પૌત્ર અલ્પેશ રૂપારેલિયા વોર્ડ નં.1ના પાટીદાર આગેવાન છે.
આ વિધાનસભા મત વિસ્તારના સૌથી મોટી ઉંમરના મતદાર જસદણ તાલુકાના 113 વર્ષનાં નાનુબેન રૂપારેલિયા હતાં. જયારે જંગવડ ગામે રહેતા રાણીબેન હરજીભાઈ દુધાત 112 વર્ષના છે અને જસદણમાં રહેતા જીવુબેન બધાભાઈ પરમાર 110 વર્ષના છે.
આ અંગે જસદણ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર એ. એચ. ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સો વર્ષથી મોટી ઉંમરના તમામ મતદારો માટે મતદાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મતદાન કરવુંએ સૌનો અધિકાર છે. ત્યારે આ મૃતક નાનુબેન રૂપારેલિયા તમામ ચૂંટણીઓમાં પોતાનો કિંમતી મત આપીને મતદાન કરતા હતા.
