માયાજાળ/ છબીલે શુટર માટે પોલીસ કર્મચારી પાસેથી નંબરપ્લેટ વગરનું બાઈક મંગાવ્યું

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
01 છબીલે શુટર માટે પોલીસ કર્મચારી પાસેથી નંબરપ્લેટ વગરનું બાઈક મંગાવ્યું

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 6)

તમામ તૈયારીઓ થઈ ચુકી હતી. ઘાંઘા થયેલા છબીલ પટેલે ફરી એકવાર જ્યંતી ભાનુશાળીને ખતમ કરી દેવાના ઈરાદે વ્યવસ્થિત પ્લાનીંગ કર્યું. જેના ભાગરૂપે બીજે દિવસે મનીષા નિખીલ, સુરજીત અને શશીકાંતને લઈને એસજી હાઈવે થઈને સાણંદ ચોકડી મુકવા માટે ગઈ હતી. તે સમયે બપોરે છબીલ પટેલ પોતાની જી.જે.01.આર.એન 5198 નંબરપ્લેટ ધરાવતી ક્રેટા કારમાં સાણંદ ચોકડી પહોંચ્યા હતા. જ્યાં પ્લાન મુજબની વાતચીત કરીને છબીલ પટેલ શશીકાંત કાંબળેને લઈને ભુજ જવા રવાના થયા હતા.

સાણંદ ટોલટેક્ષ વટાવ્યા બાદ તેઓ આશાપુરા કાઠીયાવાડી ઢાબામાં જમ્યા હતા. જમીને બન્ને હળવદ, માળિયા મિયાણા મેઈન રોડ પર થઈને સમખિયાળી ટોલટેક્ષ પસાર કરીને ભચાઉ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સાજે રેલડી નાની ગામ સીમ ખાતે છબીલ પટેલના નારાયણ ફાર્મ પહોંચ્યા હતા. અહીં અન્ય એક સહ આરોપી નિતીન જ્યંતીલાલ પટેલની મદદથી શુટર શશીકાંત કાંબળે માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. છબીલ પટેલે શશીકાંતને પોતાનો મોબાઈલ સંપર્કમાં રહેવા આપ્યો હતો. અહીંથી છબીલ પટેલ પોતાના ભૂજના બંગલે જતા રહ્યા હતા.

બીજે દિવસે અટલેકે 29 ડિસેમ્બર 2018ના રોજ છબીલ પટેલે આપેલા મોબાઈલ મારફતે નારાયણ ફાર્મમાંથી શશાકાંત કાંબળેએ પોતાની પત્ની સુવર્ણાને એસએમએસ કર્યો હતો. બીજીતરફ છબીલ પટેલે પોતાના મોબાઈલથી પોતાના ભુતપૂર્વ પીઅ નરેન્દ્ર વેલજીભાઈ મહેશ્વરીને ફોન કર્યો હતો. જેમાં છબીલે પોતાના પુત્ર સિધ્ધાર્થ પટેલને દાડમના પાક સંદર્ભે સર્વે કરવા માટે બાઈકની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.

બાદમાં છબીલે પોતાના પુત્ર અને સહ આરોપી સિધ્ધાર્થ પટેલને પોલીસ કર્મચારી જ્યંતીભાઈ તેજપાલ મહેશ્વરીનું નામ અને ફોન નંબર આપીને બાઈક મેળવી લેવા કહ્યું હતું. આ સુચના મુજબ સિધ્ધાર્થ પટેલે રાહુલ પટેલ સાથે જ્યંતીભાઈ મહેશ્વરી પાસે જઈને ભુજના સ્વામીનારાયણ મંદિર પાસે પહોંચીને નંબરપ્લેટ વગરનું હીરોહોન્ડા સ્પલેન્ડર બાઈક લીધુ હતું. બાદમાં રાહુલ પટેલે બાઈક તેના ઘર તરફ હંકાર્યું હતું. જ્યારે સિધ્ધાર્થ પટેલે રાહુલની કાર હંકારી હતી બાદમાં કાર રાહુલના ઘર પાસે પાર્ક કરવામાં આવી હતી.

સિધ્ધાર્થ પટેલની સુચના મુજબ રાહુલે ફાર્મ પર રોકાયેલો શશીકાંત કાબળે હેલ્મેટનો ઉપયોગ કરી શકે તે માટે રાહુલે પોતાના ઘરેથી હેલ્મેટ લઈ લીધુ હતું. ત્યારબાદ રાહુલે આ બાઈક નારાયણ ફાર્મ પર જઈને શશીકાંતને સોંપી દીધુ હતું. જેથી કાંબળેને રેકી કરવામાં સરળતા રહે. બીજીતરફ છબીલ પટેલ 30 ડિસેમ્બર 2018ના રોજ વહેલી સવારે ભૂજથી નીકળીને પોતાની ક્રેટા કારમાં નીકળીને બપોરે પોતાના અમદાવાદના સોલા સ્થિત ઘરે પહોંચી ગયા હતા.

તમામ તૈયારીમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે 30 ડિસેમ્બર 2018નાં રોજ અન્ય શુટરો બે પિસ્ટલ અને કાર્ટીજીસ સાથે મહારાષ્ટ્રના ભોસરી ગામેથી ભૂજ આવવા રવાના થઈ ગયા. બીજીતરફ છબીલ પટેલે દેશ છોડી દેવાની પુર્વ તૈયારી કરી લેતા અન્ય આરોપીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પણ કશુ કોઈને પુછી ન શક્યા…