@ નિકુંજ પટેલ
કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 9)
પુરપાટ ઝડપે જઈ રહેલી સયાજીનગરી એક્સપ્રેસ ભચાઉ રેલ્વે સ્ટેશન પર આવે તેની શુટરો રાહ જોઈ રહ્યા હતા. 8 જાન્યુઆરી 2019ની રાત્રે અંદાજે 12.20 વાગ્યે રેલ્વે સ્ટેશનની બહાર ત્રણેય શુટરો શશીકાંત કાંબળે, અશરફ શેખ તથા રાજુ ધોત્રે હીરો હોન્ડા બાઈક પર આવ્યા હતા. શશીકાંત અને અશરફે બાઈકની ચાવી રાજુ ધોત્રેને સોંપી દીધી.
રાજુને બન્નેએ બાઈક સમખિયાળી ટોલટેક્ષ પછી કોઈપણ હોટેલ બહાર પાર્ક કરવા અને સાથે કામ પુરૂ ન થાય ત્યાં સુધી ત્યાંજ ઉભા રહેવા કડક સુચના આપી. બાઈક પોતાને સોંપીને તેમણે રાજુને જે પણ વાહન મળે તેમાં અમદાવાદ થઈ મુંબઈ પૂણે તરફ ભાગી જવા શશીકાંતે કહ્યું.
દરમિયાન કાંબળે અને અશરફે ભચાઉ રેલ્વેસ્ચેશનની ટિકીટ વીન્ડો પર રૂ. 70 આપીને ભચાઉથી માળીયા મિયાણા સુધીની જનરલ ટિકીટ લીધી. બાદમાં તેઓ ભચાઉ રેલ્વે સ્ટેશનથી તે જ રાત્રે અંદાજે 12.40 વાગ્યે સયાજીનગરી ટ્રેન આવતા થર્ડ એસી કોચના ખુલ્લા દરવાજાથી કોચમાં ઘુસ્યા. બન્ને શુટરો એસી કોચના બફર મારફતે H-1 કોચમાં પ્રવેશ્યા. બાદમાં બન્ને કોચના ટોઈલેટમાં ગયા અને પોતાની પાસેની દેશી બનાવટની 9 એમ.એમ અને 7.65 એમ.એમ ની પિસ્ટલ લોડ કરી.
શિયાળો હોવાથી ઠંડી પણ જોરદાર હતી અને સાથે સાથે ચહેરો ઓળખાઈ ન જાય તે માટે તેમણે ચહેરો ઢંકાય તેમ ગરમ ટોપી (મંકી કેપ) પહેરીને એચ-1 કોચમાં પ્રવેશ્યા. હાથમાં પિસ્ટલ અને બુકાનીધારી શશીકાંત કાંબળેએ જી કેબીનનો દરવાજો ખખડાવતા જ જ્યંતી ભાનુશાળીએ દરવાજો ખોલ્યો..
દરવાજો ખુલતા જ શશીકાંત કાંબળેએ યહાં હમારી સીટ હે, એમ હિન્દીમાં બોલતા જ્યંતી ભાનુશાળી અચંબામાં પડી ગયા. કારણકે ભાનુશાળી જાણતા હતા કે પોતાની કેબીનમાં અમદાવાદ સુધી સહ પ્રવાસી પવન મોરે સિવાય અન્ય કોઈનું રિઝર્વેશન નથી. આટલુ બોલીને જ્યંતી ભાનુશાળીએ દરવાજાની સ્લાઈડર બંધ કરવાનો પ્રયાસ કર્યો.
ભાનુશાળી કંઈ વિચારે તે પહેલા જ તૈયાર શુટર અશરફ શેખે પોતાની પાસેની 9 mm ની પિસ્ટલ ભાનુશાળીની છાતી પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી ધરબી દીધી. ખુબ જ નજીકથી થયેલા ફાયરીંગને પગલે ભાનુશાળી પર ચત્તા ફસડાઈ પડ્યા.
બીજીતરફ મોતનું તાંડવ જોઈ રહેલો પવન મોરે ગભરાઈ ગયો. સમયસુચકતા વાપરીને તેણે પોતાની સીટ પર જે તે હાલતમાં ઉંઘી રહ્યો હોવાનો ડોળ કર્યો. ભાનુશાળીનો ખેલ ખતમ જ કરી નાંખવાના નિર્ધાર સાથે આવેલા અન્ય શુટર શશીકાંત કાંબળેએ પોતાની પાસેની 7.65 mmની પિસ્ટલ કાઢી. તેણે પણ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી જ્યંતી ભાનુશાળીના મોંઢા પર ડાબી આંખની ઉપર ફાયરીંગ કર્યું. આમ બન્ને શુટરોએ ભાનુશાળીન હત્યા કરી નાંખી. દરમિયાન બન્ને શુટરોથી કેટલાક મિસ ફાયર પણ થયા હતા. જેની કાર્ટીજીસ અને મેગ્ઝીન નીચે પડી ગયા હતા.
સહ પ્રવાસી પવન મોરે કોઈ હલનચલન ન કરતો હોવાથી બન્ને શુટરોને લાગ્યું હતું કે અંધાધુંધીમાં એક ગોળી સહપ્રવાસીને પણ વાગી હશે અને તેનું પણ મોત નીપજ્યું હોવાનું માની લીધું હતું. આવું વિચાર્યા બાદ અશરફ શેખે પવન મોરેના માથા પાસે પડેલી હેન્ડબેગ અને શશીકાંતે જ્યંતી ભાનુશાળીનો મોબાઈલ લૂંટી લીધો હતો.
શશીકાંતે જી કેબીનની બહાર નીકળીને કોચની બારીમાંથી જોયું તો સામખ્યાળી ટોલટેક્ષની લાઈટો દેખાઈ રહી હતી. જે તેમણે રેકી કરી ત્યારે જોયું હતું.
