Junagadh News: જૂનાગઢમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMS પરીક્ષામાં પેપર લીક (BAMS Paper Leak)ના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ NSUI અને કોંગ્રેસ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યમાં વારંવાર સામે આવતા પેપર લીકના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
BAMS ‘શલ્ય તંત્ર-1’ પેપર લીકનો આક્ષેપ
વિરોધ દરમિયાન NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની તૃતીય પ્રોફેશનલ વર્ષ BAMSની ‘શલ્ય તંત્ર-1’ પરીક્ષા પહેલા જ પ્રશ્નો વ્હોટ્સએપ પર ફરતા થયા હતા. આક્ષેપ મુજબ, વ્હોટ્સએપ પર ફરતા ‘ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ’માંથી મોટાભાગના મુદ્દાઓ પરીક્ષાના પ્રશ્નપત્રમાં જોવા મળ્યા હતા. NSUIએ આ ઘટનાને ગંભીર ગણાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ગણાવ્યા છે.

BAMS Paper Leak: પેપર સેટર અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
NSUI અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.સાથે જ પેપર સેટ કરનાર વ્યક્તિઓ, જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રાજ્યમાં અગાઉના પેપર લીક મુદ્દાઓનો ઉલ્લેખ
વિરોધ દરમિયાન કોંગ્રેસ અને NSUIના નેતાઓએ ગુજરાતમાં અગાઉ સામે આવેલા વિવિધ પેપર લીકના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી ભરતી અને પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓને નુકસાન થયું છે.

કરશનદાસ બાપુનો સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા કરશનદાસ બાપુએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વારંવાર પેપર લીક થવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર ગંભીર અસર પડે છે.તેમણે આરોપ લગાવ્યો કે સરકારની બેદરકારીના કારણે યુવાનોના સપનાઓને નુકસાન થઈ રહ્યું છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા જોઈએ.
વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો ઉઠાવ્યો
કરસનદાસ બાપુએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્ય પર સીધી અસર કરે છે.તેમણે સરકારને અપીલ કરી કે આવા બનાવો અટકાવવા માટે કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

NSUI પ્રમુખ મયુર સાવલિયાની ચેતવણી
જૂનાગઢ NSUI પ્રમુખ મયુર સાવલિયાએ જણાવ્યું કે BAMS પેપર લીક મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.તેમણે માંગ કરી કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મયુર સાવલિયાએ ચેતવણી આપી કે જો યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો NSUI દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
સરકાર સામે ઉગ્ર આંદોલનની ચેતવણી
BAMS પેપર લીક મુદ્દે હવે રાજકીય વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. NSUI અને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં તેઓ આ મુદ્દે આગળ પણ વિરોધ કાર્યક્રમો કરશે.
આ પણ વાંચો:NTA ઑફલાઇન પેન-પેપર મોડમાં NEET UG 2025 પરીક્ષા યોજશે
