Gujarat Ayurveda University: દેશમાં પેપર લીકના મુદ્દે વિવાદ વચ્ચે હવે ગુજરાત રાજ્યની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં (Gujarat Ayurveda University) BAMS પરીક્ષાના પેપર લીકના (BAMS Paper Leak) આક્ષેપો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર પર(BAMS Paper Leak) ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ, યુનિવર્સિટીએ પેપર લીકની સત્તાવાર પુષ્ટિ કર્યા વિના સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.
BAMS Paper Leak: પરીક્ષાના પેપર લીકનો આક્ષેપ શું છે?

આક્ષેપ મુજબ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષના ‘શલ્ય તંત્ર-1’ વિષયની 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્રના પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષામાં પૂછાયેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો વાયરલ થયેલા પ્રશ્નો સાથે મેળ ખાતા હતા. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે.
AAPના સંજય સિંહના સરકાર પર ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે (Sanjay Singh AAP) પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં આરોપ લગાવ્યો કે દેશભરમાં સતત થઈ રહેલા પેપર લીક પાછળ સરકારની નિષ્ફળતા અને મિલીભગત જવાબદાર છે. તેમણે દાવો કર્યો કે ભાજપ શાસિત રાજ્યોમાં પેપર લીક સામાન્ય ઘટના બની ગઈ છે અને આવા કૌભાંડો સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી થતી નથી.
પેપર લીક મામલે કોંગ્રેસનો સરકાર પર આકરો પ્રહાર
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ વિભાગ અને સરકારને ઘેરીને પારદર્શક તપાસ તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે આખું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ વોટ્સએપ પર વાયરલ થઈ ગયું હતું, છતાં જવાબદાર તંત્ર સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
યુનિવર્સિટીએ શું સ્પષ્ટતા કરી?
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાએ જણાવ્યું કે 20 જુલાઈની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંજે પ્રશ્નો વાયરલ થયાની માહિતી મળતાં કુલપતિના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પેપર લીકની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલ 20થી 25 કોલેજોની બાકીની પરીક્ષાઓ યથાવત સમયપત્રક મુજબ લેવામાં આવી રહી છે.
કોંગ્રેસે પણ સરકારને ઘેરી
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ આ મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં દાવો કર્યો કે વર્ષ 2014થી 2024 દરમિયાન ગુજરાતમાં અનેક ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત પેપર લીકના બનાવોનું કેન્દ્ર બની ગયું છે અને પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાની જરૂર છે.
તપાસ બાદ થશે અંતિમ નિર્ણય
સમગ્ર મામલે હાલમાં તપાસ ચાલી રહી છે અને યુનિવર્સિટીએ હજુ સુધી પેપર (Paper Leak Controversy) લીકની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ જ પેપર લીક થયો હતો કે નહીં અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે શું કાર્યવાહી થશે તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પેપર લીકનો વિવાદ, ‘શલ્ય તંત્ર’ના 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ
આ પણ વાંચો: લોકસભામાં પરીક્ષા સુધારા બિલ-2026 રજૂ: પેપર લીક કરનારને 10 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીના દંડની જોગવાઈ
આ પણ વાંચો: પેપર લીક સુધારા બિલને કેબિનેટની મંજૂરી, 27 જુલાઈએ સંસદમાં રજૂ થવાની શક્યતા; અશ્વિની વૈષ્ણવે સવાલો ટાળ્યા
