Junagadh News: જૂનાગઢની ધરતીનું રતન અને ટેનિસ જગતની ઊભરતી સ્ટાર જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇતિહાસ રચીને જ્યારે પોતાના માદરે વતન પરત ફરી, ત્યારે આખું જૂનાગઢ તેના સ્વાગતમાં હિલોળે ચઢ્યું હતું. દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર આ દીકરીનું ભવ્ય વિજય સરઘસ અને સન્માન સમારોહ યોજાયો હતો.
જૂનાગઢની દીકરીનો ઓસ્ટ્રેલિયામાં ડંકો
માત્ર 14 વર્ષની નાની ઉંમરે જેન્સી કાનાબારે ટેનિસની દુનિયામાં તેજસ્વી દેખાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ પ્રતિષ્ઠિત ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-14 વુમન્સ ટાઇટલ જીતીને જેન્સીએ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. આ સફળતા બાદ તે આજે જ્યારે જૂનાગઢ પહોંચી ત્યારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
ભવ્ય વિજય યાત્રા અને સન્માન
જેન્સીના સ્વાગત માટે જૂનાગઢના મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઓપન જીપમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેન્સીને એક ફૂલોથી શણગારેલી ઓપન જીપમાં બેસાડીને આખા શહેરમાં તેની વિજય યાત્રા કાઢવામાં આવી હતી.

રાજકીય મહાનુભાવોની હાજરી
આ નિમિત્તે રાજકીય મહાનુભાવોની હાજરી ઉલ્લેખનીય હતી. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતાબેન પરમાર તેમજ મનપાના અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓએ જેન્સીને હારતોરા કરી પ્રોત્સાહિત કરી હતી. લોકોમાં શહેરની દીકરીના વિજયને લઈને જબરદસ્ત ઉત્સાહ હતો. નગરયાત્રા દરમિયાન ઠેર-ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી હતી અને ઢોલ-નગારાના તાલે જેન્સીની સફળતાને વધાવી લીધી હતી.
નવી પેઢી માટે પ્રેરણા
જેન્સી કાનાબારની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે જો દ્રઢ મનોબળ અને સખત મહેનત હોય તો નાના શહેરમાંથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરના ચેમ્પિયન બની શકાય છે. ટેનિસ જેવી મોંઘી અને મહેનત માંગી લેતી રમતમાં મધ્યમવર્ગીય દીકરીની આ ઉંચી ઉડાન આગામી પેઢીના ખેલાડીઓ માટે દીવાદાંડી સમાન છે.
આ પણ વાંચો:ગુજરાતની દીકરીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયાનો જીત્યો ખિતાબ
આ પણ વાંચો:ગુજરાતની દીકરીઓ બનશે આત્મનિર્ભર, પોસ્ટલ વિભાગે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 4.50 લાખ ખાતા ખોલ્યા
