Gandhinagar News: રાજ્યના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ પડકારજનક બની રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની નીચલી અદાલતોમાં પડતર કેસોના આંકડા પણ સામે આવ્યા છે. હાઈકોર્ટમાં હાલમાં 1.70 લાખ કેસો પેન્ડિંગ છે, જેમાંથી 1.15 લાખ કેસો સિવિલ પ્રકારના છે, જ્યારે 54 હજારથી વધુ કેસ ફેજદારી પ્રકારના છે.
ગુજરાત રાજ્યની તમામ જિલ્લા-તાલુકા અદાલતો સહિત નીચલી અદાલતોમાં 15.62 લાખથી વધુ કેસો પડતર છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ પડતર કેસોના નિકાલ અને કેસ લોડ ઘટાડવા અંગે ચિંતિત છે અને સમયાંતરે આ મામલે ગાઈડલાઈન જારી કરે છે, પરંતુ કેસોનો બેકલોગ પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે.
હાઈકોર્ટમાં પેન્ડિંગ કુલ 1.70 લાખ કેસમાંથી 21 હજાર કેસ દસ વર્ષથી વધુ સમયથી પડતર છે. જ્યારે 200થી વધુ કેસ 25 વર્ષથી વધુ જૂના છે. ગુજરાત રાજ્યની નીચલી અદાલતોમાં પડતર કુલ 15.62 લાખ કેસોમાંથી 77 હજાર કેસો દસ વર્ષથી જૂના છે, જ્યારે 4,641 કેસો 25 વર્ષથી જૂના છે. આ જ રીતે રાજ્યની તમામ લેબર કોર્ટમાં કુલ 41,364 કેસો પેન્ડિંગ છે, જેમાંથી 3,068 કેસ દસ વર્ષથી વધુ જૂના છે અને 338 કેસો 20 વર્ષથી વધુ જૂના છે. આ રીતે રાજ્યની ફેમિલી કોર્ટમાં કુલ 54 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે.
ઘીકાંટાની ફોજદારી અદાલતમાં પડતર કેસોની સંખ્યા સૌથી વધુ
શહેરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ કેસો એટલે કે 4,21,091 કેસ પડતર છે. જેમાંથી 16,317 કેસ દસ વર્ષથી વધુ જૂના છે અને 4800 કેસ 20 વર્ષથી વધુ જૂના છે. અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટમાં કુલ 80,485 કેસ પડતર છે, જેમાંથી 8,241 કેસ દસ વર્ષથી વધુ જૂના છે અને 1225 કેસો 20 વર્ષથી વધુ જૂના છે. શહેરની સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં કુલ 26,784 કેસ પેન્ડિંગ છે.
અમદાવાદ ફેમિલી કોર્ટમાં 11 હજારથી વધુ કેસ પડતર
અમદાવાદ જિલ્લાની તમામ ફેમિલી કોર્ટમાં 11,133 કેસ પડતર છે. જેમાંથી 23 કેસ દસ વર્ષથી વધુ જૂના છે. પારિવારિક અદાલતોમાં વૈવાહિક વિવાદો, બાળ કસ્ટડી, ભરણપોષણ વગેરે સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.
સુરતમાં 1.32 લાખથી વધુ કેસ પડતર
સુરતની વિવિધ કોર્ટમાં કુલ 1.32 લાખ કેસ પડતર છે. જેમાંથી 6,332 કેસ દસ વર્ષથી વધુ જૂના છે અને લગભગ 1200 કેસ 20 વર્ષથી વધુ જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5800 થી વધુ કેસ પડતર છે. આવી જ રીતે રાજકોટની વિવિધ અદાલતોમાં કુલ 96,412 કેસો પડતર છે, જેમાંથી 3600 જેટલા કેસો દસ વર્ષથી વધુ જૂના છે અને 760 જેટલા કેસો 20 વર્ષથી વધુ જૂના છે. ફેમિલી કોર્ટમાં લગભગ ચાર હજાર કેસ પડતર છે. વડોદરા જિલ્લાની કોર્ટમાં કુલ 87,962 કેસ પડતર છે.
આ પણ વાંચોઃ વન બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પર સવાલ, ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટે સિનિયર જજને સસ્પેન્ડ કર્યા પછી FIRમાં પણ આવ્યું નામ
આ પણ વાંચોઃ ગીર સોમનાથ ડીમોલેશનનો મામલો, ગુજરાત હાઇકોર્ટ આજે આપશે ચુકાદો
