Surat News : વર્દૂષો પહેલા દુરદર્શન પર વિક્રમ ઔર બેતાલ નામની સિરિયલ પ્રસારિત થતી હતી. આ સિરિયલનો એક સીન આજે પણ દર્શકોના દિમાગમાંથી ખસી શક્યો નથી. જેમાં વિક્રમ(રાજા વિક્રમાદિત્ય) બનેલા અરુણ ગોવિલના ખભે વેતાળ એટલે કે અભિનેતા સજ્જન ચડેલો હોય છે. આવો જ એક સીન ગઈકાલે એટલે કે 27 જલાઈ, 2024ના રોજ સુરતમાં જોવા મળ્યો હતો. જેમાં સબ ફાયર ઓફિસર વિક્રમ બન્યા અને તેમણે સુરતના ડેપ્યુટી મેયર(ડો.નરેન્દ્ર પાટીલ)ને વેતાળ બનાવી ખભે ઉંચક્યા હતા. આ દ્રશ્યએ સૌ કોઈને ‘વિક્રમ ઔર બેતાલ’ની યાદ અપાવી દીધી હતી.
સુરત શહેરના પરવટ પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો. આ પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓની ભીડ જામી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ સ્થળ પરથી રોડ પર જવા નીકળ્યા હતાં. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો.જો કે આમ છતાં અહીં ઉભેલા ફાયરના સબ ઓફિસર ડેપ્યુટી મેયરને કહ્યું “હું તમને લઈ જઉ?’ કહેતા જ ડો.નરેન્દ્ર પાટીલ હસતાં હસતાં બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા. નરેન્દ્ર પાટીલનું જાણે રેસ્ક્યુ કરાયું હોય તેવું દૃશ્ય સર્જાયું. જે યુવક ડૂબી ગયો હતો તેણે બ્લુ જિન્સ પહેર્યું હતું, મૃતદેહ બહાર કઢાયો ત્યારે જીન્સનો કલર બદલાઈ ગયો હતો. જોગાનું જોગ નરેન્દ્ર પાટીલે પણ બલ્યુ જીન્સ જ પહેર્યુ હતુ પરંતુ આ જિન્સ પર કાદવ ન લાગે તે રીતે તેઓ ફાયર જવાનના ખભે ટિંગાયા હતાં.
આ મામલે ડેપ્યુટી મેયરને ઊંચકીને લઇ જનાર સબ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડે. મેયરને પગમાં ઇન્ફેકશન હતું. ત્યાં બેથી ત્રણ ફૂટ કીચડ હોવાથી વધારે ઇન્ફેકશન ન થાય એચલે તેઓને રોડ પર બહાર ઉતર્યા હતા. રોડ સાઈડથી ફૂટપાઠ પર આવી શકાતું હતું, પણ તેના માટે લાંબુ ફરીને જવું પડે તેમ હોવાથી તેઓને સેફલી રોડ પર જ ઉતાર્ય હતાં.વધુમાં જણાવ્યું હતુ કે, ત્યાં ચોથા દિવસે ડૂબેલા યુવકની લાશ મળી હતી અને 108ની મદદથી તેની લાશને લઇ જવાની હતી. ડે. મેયરના કપડા અને બુટ બગડે તેના માટે રેસ્ક્યૂ કર્યું નથી. તેઓએ બુટ પહેર્યા હતા, પરંતુ પાણીની અંદર ઇન્ફેકશન વધી જવાની શક્યતા વધી જવાના કારણે એમને ખભા પર લઈને સેફટી રીતે રોડ પર ઉતાર્યા હતાં.
24 જુલાઈ બુધવારે પરવટ ગામના ગોડાદરા રોડ પર ભરાયેલાં પાણીમાંથી પસાર થતી વખતે નિર્માણાધિન બિલ્ડિંગના બેઝમેન્ટમાં ધસી આવેલા ખાડી પૂરના પાણીમાં ગરકાવ થયેલા સાંઈધામ સોસાયટીના 21 વર્ષીય દીપેશ ઉર્ફે સન્ની મિશ્રાનો મૃતદેહ 4 દિવસે મળ્યો હતો. 4 દિવસ સુધી પાણીમાં રહેતા મૃતદેહનું વજન 60 કિલોથી વધી 240 કિલો થઈ ગયું હતું. લાશને દોરડાથી ખેંચી પાણીમાંથી બહાર કાઢવા 45 જવાનો સહિત સ્થાનિક લોકોને એક કલાક લાગ્યો હતો. મૃતદેહ જોઈને પરિવારે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી મૃતદેહ સ્વીકાર્યો ન હતો. જેને પગલે મોડી રાત્રે પોલીસે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર સત્યનારાયણ રાઠી અને તેના પુત્ર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. સાઇટ ચાલતી હોવા છતાં કોઈપણ પ્રકારનો બેરિકેડિંગ ન કરતા દીપેશ ફૂટપાથ પરથી સીધો બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભરાયેલા પૂરના પાણીમાં ધસી ગયો હતો.
24 જુલાઈએ બપોરે 1 વાગે દીપેશ ઘરે જવા ફૂટપાથ ચાલતો જતો હતો. અહીં પાણી ભરાયેલા હતા. પણ કિનારી દેખાતી હોવાથી તેના સહારે જતી વખતે ફૂટપાથને અડીને આવેલી નિર્માણાધિન બિલ્ડિંગના બેઝમેન્ટની જગ્યામાં પડી ગયો હતો. બે માળ સુધીના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયરના જવાનોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું. ફૂટપાથ અધુરી હોવાથી ઘટના બની હતી. વરસાદ બંધ થતા અને પૂરના પાણી ઓસર્યા પછી પાલિકાએ પમ્પ મૂકી 25 લાખ લીટર પાણી ઉલેચ્યું હતું અને મૃતદેહ બિલ્ડિંગના સેકન્ડ બેઝમેન્ટમાં પાણી વચ્ચે સિલિંગ સાથે ચોંટી ગયો હતો. ફૂલી ગયેલો મૃતદેહ 45 જવાનોએ દોરડાથી ખેંચી બહાર કાઢ્યો હતો.
ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, યુવકની લાશ નીચે 2 નંબરના બેઝમેન્ટ કે જ્યાં 30 ફૂટ પાણી છે ત્યાં ફસાઈ હતી. સ્કુબા ડ્રાઈવરોએ અંદર જઈને લાશની શોધખોળ હાથ ધરી હતી. લાશનું લોકેશન મળ્યા બાદ પણ અંદર જઈને લાશને બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ હતી કારણ કે, અહીં કામકાજ ચાલતુ હતું અને અંદર ઘણા બધા સળિયાઓ પડ્યા હતા. આ સળિયાઓ વચ્ચે લાશ ભેરવાઈ ગઈ હતી. જોકે, 3 માણસોને અંદર એકસાથે ઉતારીને લાશને સળિયાઓ વચ્ચેથી બહાર કાઢી અને તેને બાંધી બહાર લાવ્યા હતા.
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ
