Lucknow News : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક કોચિંગ સેન્ટર (Coaching Institute)માં લાગેલી ભીષણ આગે (Fire)અફરાતફરી મચાવી દીધી હતી. આગ (Fire)એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે અંદર હાજરવિદ્યાર્થીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ પહેલા માળેથી કૂદકો મારવો પડ્યો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ (Fire) લાગ્યા બાદ બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ બારીઓ અને વાયરનો સહારો લઈને નીચે ઉતરતા જોવા મળ્યા હતા.

આ ઘટનામાં એક યુવક જીવ બચાવવા માટે ઉપરથી કૂદ્યો હતો, પરંતુ તે નીચે લોખંડની અણીદાર ગ્રીલ પર પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
માહિતી અનુસાર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ અને ક્લિનિક આવેલી હતી. પહેલા માળે ‘લર્નિંગ સ્પેસ’ નામનું કોચિંગ અને લાઇબ્રેરી સેન્ટર કાર્યરત હતું, જ્યારે બીજા માળે ‘હેડ હોપર સ્ટુડિયોઝ’ નામની 3D આર્ટ આઉટસોર્સિંગ કંપની આવેલી છે.
ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ટ્રોમા સેન્ટરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સંભવિત ઘાયલો માટે અનેક બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડની 14થી વધુ ગાડીઓ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક લોકો બિલ્ડિંગમાં ફસાયેલા હોવાની આશંકા છે, જેને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીર નોંધ લઈને અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને રાહત તથા બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી હતી. આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
