Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં પાણીના પ્લાન્ટ (Water Plant Scam)ની સ્થાપના કરાવવાના નામે ₹2.42 કરોડથી વધુની કથિત છેતરપિંડીનો ગંભીર કેસ નોંધાયો છે. ફરિયાદના આધારે ઉત્તર પ્રદેશના નોઇડા સ્થિત એક ખાનગી કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 11 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, અમદાવાદના રહેવાસી હાર્દિકભાઈ સેજાભાઈ ગલચરે વર્ષ 2024 દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર પાણીના પ્લાન્ટ (Water Plant Scam) સંબંધિત એક જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં દર્શાવેલી વિગતોના આધારે તેમણે કંપનીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ નોઇડામાં આવેલી કંપનીની ઓફિસે જઈ અધિકારીઓ સાથે પાણીના પ્લાન્ટ (Water Plant Scam) સ્થાપવા અંગે ચર્ચા કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, કંપનીએ પ્લાન્ટ માટે જરૂરી તમામ મશીનરી પોતાની પાસેથી જ ખરીદવાની શરત મૂકી હતી અને 90 BPM (બોટલ પ્રતિ મિનિટ) ક્ષમતાવાળા મશીનો આપવાનું વચન આપ્યું હતું. ઉપરાંત પ્લાન્ટ શરૂ થયા બાદ તૈયાર થતી પાણીની બોટલો કંપની જ ખરીદી લેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

Water Plant Scam: 90 BPMના બદલે 60 BPM મશીન આપ્યાનો આરોપ
આક્ષેપ મુજબ, કંપનીના જણાવ્યા અનુસાર વિવિધ તબક્કામાં ફરિયાદી પાસેથી કુલ ₹2,42,70,357 વસૂલવામાં આવ્યા હતા. જોકે, બાદમાં વચન મુજબના 90 BPM મશીનો આપવાના બદલે 60 BPM ક્ષમતાવાળા મશીનો આપવામાં આવ્યા હોવાનો અને કરાર મુજબ તૈયાર થતી પાણીની બોટલો ખરીદવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

ફરિયાદના આધારે કેશોદ પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરાના આરોપસર કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર કેસમાં કંપનીના સંચાલકો, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો, કરારના દસ્તાવેજો, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય પુરાવાની ચકાસણી કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:8 યુવાનો પાસેથી 40 લાખ છીનવીને એજન્ટોએ કરી છેતરપિંડી, યુવાનોને બેંગલોરથી જ પરત ગુજરાત મોકલ્યા
આ પણ વાંચો:જુનાગઢ ભુપત ભાયાણીનો હર્ષદ રીબડીયા ઉપર પ્રહાર, તેમણે પિટિશન પરત ખેંચવા વાત કરી
