Gandhinagar News: રાજ્ય સરકારે ગુજરાતના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામેની લડતને વધુ મજબૂત કરવા રાજ્યના તમામ બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટેના પ્રયાસોમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેંન્દ્ર પટેલ દ્વારા ‘દૂધ સંજીવની યોજના’ નું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ યોજના હવે વે રાજ્યના તમામ આદિજાતિ ICDS બ્લૉકમાં લાગુ કરવામાં આવી છે.
દૂધ સંજીવની (Doodh Sanjeevani) યોજનાનુ વિસ્તરણ કરવાની મંજૂરીને મોહર
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ અંગે એક ઠરાવ પણ કરી દીધો છે કે જેના અંતર્ગત આદિજાતિ જિલ્લાઓમાં બાકી રહેલા તમામ 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજનાનુ વિસ્તરણ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ; પહેલી વાર યોજનાના લાભાર્થીઓ માટે હાઈ-ફેટ ફોર્ટિફાઇડ દૂધના પાયલોટ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે. પરિણામે હવે આદિવાસી વિસ્તારોના વધુ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુધી વધુ પૌષ્ટિક અને પોષણયુક્ત દૂધ પહોંચશે. આ યોજનામાં રૂપિયા. 38 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
કુપોષણ દર ઘટાડવાના હેતુ સાથે શરૂ કરાઈ હતી યોજના
આંગણવાડીમાં આવતા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને નિયમિત ફોર્ટિફાઇડ દૂધ આપીને કુપોષણનો દર ઘટાડવાના મુખ્ય હેતુ સાથે શરૂ કરાયેલી યોજનાના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને યોજનાનું સતત વિસ્તરણ થતું રહ્યું અને 5 વર્ષમાં યોજના 6થી 20 જિલ્લા સુધી પહોંચી ગઈ. યોજના હેઠળ વર્ષ 2014માં વધુ 14 આદિજાતિ જિલ્લાઓના 106 ICDS ઘટકો તથા 20 વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ કરાયો 2016થી આ યોજનામાં સહકારી ડૅરી ક્ષેત્રને પણ જોડવામાં આવ્યું અને બનાસ (Banas Dairy), અમૂલ, સુમુલ (Sumul), માહી સહિત રાજ્યની વિવિધ સહકારી ડૅરીઓ દ્વારા ફોર્ટિફાઇડ દૂધનું ઉત્પાદન અને પુરવઠો શરૂ થયો. આ સહકારના કારણે યોજના વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બની.
5 વર્ષમાં 6થી 20 જિલ્લા સુધી પહોંચી યોજના
આ યોજના 5 વર્ષમાં 6થી 20 જિલ્લા સુધી પહોંચી ગઈ છે. હાલમાં દૂધ સંજીવની યોજના મુખ્યત્વે રાજ્યના 20 જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા મુખ્ય આદિજાતિ જિલ્લાઓ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ, ખેડા, જામનગર અને બોટાદના પસંદગીના વિકાસશીલ વિસ્તારોમાં લાગુ હતી, પરંતુ હજી પણ 53 ICDS બ્લૉકમાં યોજના લાગુ નહોતી.
યોજનામાં દુધની ગુણવત્તાનો પણ નવો માપદંડ ઉમેરાયો
હવે યોજનામાં દુધની ગુણવત્તાનો પણ નવો માપદંડ ઉમેરાયો છે. અત્યાર સુધી આપાતા ફોર્ટિફાઇડ દૂધમાં 1.5 ટકા ફેટ હતું. હવે પસંદગીના જિલ્લાઓમાં વધુ ચરબીયુક્ત દૂધ આપવાનો પાયલૉટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. તેમાં નર્મદા, દાહોદ અને ડાંગ જિલ્લામાં 3 ટકા ફેટવાળું દૂધ આપવામાં આવશે; જ્યારે વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 4.5 ટકા ફેટવાળું દૂધ આપવામાં આવશે. આ વધારાનું ફૅટ બાળકોના શારીરિક વિકાસ, ઊર્જા અને પોષણની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવામાં મદદરૂપ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાઈ હતી યોજના
દૂધ સંજીવની યોજનાની શરૂઆત 24 ડિસેમ્બર, 2009ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માત્ર 6 આદિજાતિ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવી હતી. આજે લગભગ દોઢ દાયકામાં આ યોજના રાજ્યની સૌથી મહત્વપૂર્ણ પોષણલક્ષી પહેલોમાં સ્થાન મેળવી ચૂકી છે. સરકારને આશા છે કે નવા વિસ્તરણ અને હાઈ-ફેટ ફોર્ટિફાઇડ દૂધના સમાવેશથી કુપોષણ ઘટાડવામાં વધુ અસરકારક પરિણામો મળશે.
આ પણ વાંચો: 9 ઓક્ટોબર પોષણ દિવસ: PM ના જનસેવાના 24 વર્ષ…ગુજરાતમાં પોષણનું સ્તર સુધારવા અનેક યોજનાઓનું અમલીકરણ
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ
