Anand News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમમાં કથિત ગેસ લીકેજ (Khambhat Gas Leak)ની ઘટનાને પગલે ચકચાર મચી છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગેસની અસરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થઈ હતી. સાથે જ ખેતરોમાં ઉભેલો લીલો ડાંગરનો પાક પીળો પડી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના દાવા મુજબ, આ વિસ્તારમાં આશરે 200 જેટલા જંગલી બબ્લર પક્ષીઓનાં મોત થયાં છે. જોકે, પક્ષીઓનાં મોતનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી. વનવિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Khambhat Gas Leak: ગેસની દુર્ગંધથી ગ્રામજનોમાં ભયનો માહોલ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળ આસપાસ કથિત રીતે તીવ્ર દુર્ગંધ અનુભવાઈ હતી. ગેસ (Khambhat Gas Leak)ના પ્રભાવને કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ અને આંખોમાં બળતરા થઈ હોવાની ફરિયાદો સામે આવી છે. કેટલાક લોકોને ઉલ્ટીની તકલીફ પણ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
લીલો ડાંગરનો પાક પીળો પડ્યાનો ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોનો દાવો છે કે કથિત ગેસ (Khambhat Gas Leak) વાતાવરણમાં ફેલાયા બાદ ખેતરોમાં ઉભેલા લીલા ડાંગરના પાક પર તેની અસર જોવા મળી હતી. અનેક ખેતરોમાં પાકનો રંગ લીલામાંથી પીળો થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ખેડૂતોના પ્રાથમિક અંદાજ પ્રમાણે આશરે 400 વીઘા વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. સ્થાનિક ખેડૂત સુજલ પટેલના જણાવ્યા મુજબ નુકસાનનો વિસ્તાર આશરે 500 વીઘા સુધી હોઈ શકે છે. જોકે, પાકને થયેલા નુકસાનનું ચોક્કસ કારણ અને વિસ્તાર અંગે સત્તાવાર રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
ઝાડ પરથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યાનો દાવો
કથિત ગેસ (Khambhat Gas Leak)ની અસરવાળા વિસ્તારમાં ઝાડ પર બેઠેલા પક્ષીઓ અચાનક નીચે પડવા લાગ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. થોડા સમયગાળામાં મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મૃત પક્ષીઓમાં મોટી સંખ્યામાં બબ્લર પક્ષીઓનો સમાવેશ થાય છે.
મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ખંભાત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેસાઈના જણાવ્યા પ્રમાણે મૃત જંગલી બબ્લર એટલે કે વન લલેડુ પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે. પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
FSL રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
ખંભાતના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઋચિક આંજણાના જણાવ્યા મુજબ પેનલ ડોક્ટર દ્વારા મૃત પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. હવે FSL રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.
GPCBએ હવા અને કંપનીની ચિમનીના સેમ્પલ લેવાની શરૂઆત કરી
આ મામલે GPCB આણંદના રિજનલ ઓફિસર પવન શર્માના જણાવ્યા પ્રમાણે વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ટીમ દ્વારા ખેતરો, ઝાડ અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે જ સંબંધિત કંપનીઓની પણ મુલાકાત લઈને તપાસ કરવામાં આવી રહી છે. GPCB દ્વારા આસપાસની હવામાં રહેલા Ambient Airના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંબંધિત કંપનીઓની ચિમનીમાંથી પણ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલના પરિણામો અને તપાસના આધારે કોઈ નિયમભંગ અથવા પ્રદૂષણની બાબત સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને ઈ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે. કથિત રીતે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે
હાલ ખંભાતના વટાદરા અને વત્રા ગામની સીમમાં બનેલી ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા છે. ખેડૂતો દ્વારા પાકને નુકસાન અને ગ્રામજનો દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોની ફરિયાદ કરવામાં આવી છે. જોકે, ગેસ લીકેજ (Khambhat Gas Leak) અને પક્ષીઓના મોત વચ્ચે સીધો સંબંધ છે કે નહીં તે હજુ સાબિત થયું નથી. મૃત પક્ષીઓના પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ ઉપરાંત GPCB દ્વારા લેવામાં આવેલા હવાના તથા કંપનીની ચિમનીના સેમ્પલના પરિણામો આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ભાવનગરના પડવા પાવર પ્લાન્ટમાં મોટી આગ લાગતા અનેક પક્ષીઓ ભડથું
આ પણ વાંચો:યૂપી સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત, કાનપુરમાં પક્ષીઘર સીલ, તો રાજધાની દિલ્હીમાં હાઇએલર્ટ
આ પણ વાંચો:બર્ડ ફ્લૂથી સાવધાન…! છ રાજ્યોમાં એન્ટ્રીની પુષ્ટિથી દહેશતમાં ગુજરાત, સાવધાની-સતર્કતા જરૂરી
