કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં આત્મહત્યાની ઘટનાઓને લઈને રાજ્યસભામાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે 2018, 2019 અને 2020માં દેશમાં બેરોજગારીને કારણે કુલ 9,140 લોકોએ આત્મહત્યા કરી લીધી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના જવાબમાં જણાવ્યું હતું કે આ ત્રણ વર્ષમાં નાદારી અથવા દેવાને કારણે આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા 16,091 હતી.
મંત્રાલયે એમ પણ કહ્યું કે સરકાર માનસિક વિકૃતિઓના બોજને સંબોધવા માટે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (NMHP) લાગુ કરી રહી છે. આ સાથે દેશના 692 જિલ્લામાં NMHP હેઠળ ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (DMHP)ના અમલીકરણ માટે પણ સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ આત્મહત્યા નિવારણ સેવાઓ, કાર્યસ્થળે તણાવ વ્યવસ્થાપન, જીવન કૌશલ્યની તાલીમ અને શાળાઓ અને કોલેજોમાં કાઉન્સેલિંગ પ્રદાન કરવાનો છે. આના દ્વારા માનસિક સ્વાસ્થ્ય સેવાઓ અને સામુદાયિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં નિવારણ, પ્રમોશન અને લાંબા ગાળાની સતત સંભાળનો સમાવેશ થાય છે. આ સાથે, તેમનો હેતુ માનસિક સ્વાસ્થ્ય સેવાઓના હકારાત્મક પરિણામોમાં લોકોની ભાગીદારી વધારવાનો પણ છે.
મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે તેણે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના જેવા રોજગાર અને આવક સર્જન કાર્યક્રમો શરૂ કર્યા છે, જેનો ઉદ્દેશ નોકરીદાતાઓને સામાજિક સુરક્ષા લાભો અને રોજગાર પુનઃસ્થાપન સાથે નવી નોકરીઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ધ નેશનલ કેરિયર સર્વિસ (NCS) પ્રોજેક્ટ નામનો બીજો પ્રોગ્રામ નોકરી શોધનારાઓ અને નોકરીદાતાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.2022 માટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે શરૂ થયું. બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
