kolkata news/ સરકારી બિલ્ડિંગમાં ભીષણ આગ, ચૂંટણીમાં વપરાયેલા 4,000 EVM બળીને ખાક

Kolkata Government Building Fire: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક સરકારી ઇમારતમાં લાગેલી શંકાસ્પદ આગમાં 4,000 EVM મશીનો બળી ગયા છે. મંત્રી અને વિપક્ષે આ ઘટના પાછળ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છે.

NATIONAL Top Stories India
Kolkata Government Building Fire

Kolkata Government Building Fire: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાઈ-પ્રોફાઈલ અલીપુર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને શંકાસ્પદ સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી એક સરકારી ઇમારતમાં લાગેલી ભયાનક આગમાં અંદાજે 4000 જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયા છે. આ ઘટનાને પગલે રાજ્યના રાજકીય ગલિયારાઓમાં ભારે હોબાળો મચી ગયો છે. વિપક્ષી દળો દ્વારા આ સમગ્ર ઘટના પાછળ કોઈ બહુ મોટા રાજકીય કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે વિવાદે જોર પકડ્યું છે.

Kolkata : વચ્ચેના માળ સુરક્ષિત અને ઉપર સીધી આગ?

દક્ષિણ કોલકાતાના અલીપુર સ્થિત આ સરકારી બિલ્ડિંગમાં અન્ય મહત્ત્વના સરકારી વિભાગો ઉપરાંત દક્ષિણ 24 પરગના જિલ્લા પરિષદની મુખ્ય ઓફિસ પણ આવેલી છે. પશ્ચિમ બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લીધા બાદ એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આગ સૌથી પહેલા ઇમારતના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વચ્ચેના ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ બિલકુલ સુરક્ષિત રહ્યા છે અને પ્રભાવિત થયા વિના જ આગ સીધી સાતમા, આઠમા, નવમા અને દસમા માળ સુધી પહોંચી ગઈ!

સરકારના મંત્રીએ જ વ્યક્ત કરી આશંકા

આગની આ વિચિત્ર પેટર્ન પર ગંભીર સવાલ ઉઠાવતા મંત્રી કૌશિક ચૌધરીએ જણાવ્યું છે કે, “આ આગ પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય અકસ્માત લાગતી નથી. વચ્ચેના માળને નુકસાન પહોંચાડ્યા વિના કાળમુખી આગ સીધી સાતમા અને આઠમા માળ સુધી કેવી રીતે ટ્રાન્સફર થઈ? અમે આ સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ કરી રહ્યા છીએ કે આમાં કોઈ પૂર્વાયોજિત કાવતરું સામેલ છે કે કેમ.” હાલમાં આખી બાબત ઉચ્ચ સ્તરીય તપાસ હેઠળ મૂકવામાં આવી છે.

ચૂંટણીમાં વપરાયેલા 4,000 કિંમતી EVM બળીને રાખ

આ શંકાસ્પદ આગ દુર્ઘટનામાં સૌથી મોટું અને ન ભરી શકાય તેવું નુકસાન લોકશાહીના પવિત્ર દસ્તાવેજો સમાન ઈવીએમ મશીનોને થયું છે. સત્તાવાર માહિતી મુજબ, આ બિલ્ડિંગના સ્ટ્રોંગ રૂમ કે ગોડાઉનમાં રાખવામાં આવેલા આશરે 4000 EVM સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, આ એ જ વોટિંગ મશીનો હતા જેનો ઉપયોગ આ વર્ષે જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 વિવિધ સંવેદનશીલ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. આ મશીનો સળગી જતાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

ફોરેન્સિક લેબના રિપોર્ટ પર નજર

આ ઘટના સામે આવતાની સાથે જ ભાજપે શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે મોરચો ખોલ્યો છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા અથવા પુરાવા નાશ કરવા માટેના કોઈ મોટા કાવતરાની શક્યતાને નકારી શકાય નહીં.” તો બીજી તરફ, ભાજપના સ્થાનિક નેતા રાકેશ સિંહે સીધો આરોપ લગાવ્યો છે કે આ આગ એક સોચી-સમજેલી સાજીશનો ભાગ છે.

જો કે, વહીવટી તંત્ર કે તપાસકર્તા અધિકારીઓ દ્વારા હજુ સુધી આવા કોઈ દાવાને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. કોલકાતા પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ હાથ ધરી છે અને હાલ પૂરતી આખી બિલ્ડિંગને સીલ કરીને લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે ફોરેન્સિક લેબ (FSL) નો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ આગ લાગવાનું અસલી કારણ અને સત્ય બહાર આવી શકશે.


આ પણ વાંચો : કોલકાતામાં ડોક્ટરોની 99 ટકા માંગણી સ્વીકારવા મમતા બેનરજી તૈયાર, છતાં વિરોધ યથાવત

આ પણ વાંચો : મમતા બેનરજી પોતે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોને મળવા પહોંચ્યા

આ પણ વાંચો : બંગાળ બળશે તો યુપી-બિહાર-આસામ પણ સળગી જશેઃ આગ દિલ્હી પહોંચશે – મમતા બેનરજી