દેશમાં કોરોનાનો કહેર વરસાવી રહ્યો છે. કોરોનાના લીધે દરેક હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ થઇ ગયાં છે .બિમાર વ્યક્તિ પોતાની સવલત મુજબ દેશના કોઇપણ રાજ્યની હોસ્પિટલમાં જગ્યા મળે એટલે ત્યાં સારવાર અર્થે જતા રહે છે. હરિયાણા રાજ્યના ગુડગાંવ (ગુરૂગ્રામ) સેક્ટર 51માં રહેતા સિનીયર સિટીઝન 62 વર્ષીય શમશેરસિંહ અહલાવત તેમાંના એક છે. સુરત સિવિલમાં 14 દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા ત્યારે અહલાવત પરિવાર ખુશખુશાલ બન્યો હતો.
સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા શમશેરસિંહે જણાવ્યું કે, ‘મને 7 વર્ષથી ડાયાબિટીસની બિમારી છે, જેથી કોરોનાનું દિનપ્રતિદિન સંક્રમણ વધતા હું ઘરની બહાર પણ નીકળવાનું ટાળતો હતો. પરંતુ અચાનક મારી તબીયત બગડવા લાગી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ખાનગી ડૉક્ટરની પ્રાથમિક સારવાર દરમિયાન કોવિડ પોઝિટિવ આવ્યો હતો. સારવાર માટે દિલ્હી નજીક હોવાથી દરેક હોસ્પિટલમાં તપાસ કરી પણ બેડ અને વેન્ટિલેટર ન હોવાથી તમામ હોસ્પિટલ દ્વારાના પાડી દેવામાં આવી હતી.ત્યારબાદ સુરત હોસ્પિટલમા મને જગ્યા મળી હતી તેથી હું આબાદ બચી ગયો. સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફનો હું આભાર માનું છું.
