Surat News: વરાછા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ફરી એકવાર સુરત મનપાના મેયરને પત્ર લખીને વરાછા વિસ્તારની વણઉકેલાયેલી ટ્રાફિક સમસ્યા પર તાત્કાલિક ધ્યાન દોર્યું છે. આ પત્રમાં ધારાસભ્યએ પાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલા અભિયાનની સરાહના કરી છે,પરંતુ સાથે જ એવી અપીલ કરી છે કે કાયદાના અમલ દરમિયાન કોઈ નાના વેપારી કે રહીશને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે.
વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો અને ગલીઓમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઓટલા, રસ્તા અને ફૂટપાથ પર દુકાનો-લારીઓ ગોઠવાઈ જતાં ટ્રાફિક જામની (Traffic jam) સમસ્યા વકરી છે. આના કારણે સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ, ઓફિસ જતા લોકો તથા એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ અટકી પડે છે. ગત મહિનામાં પણ કુમાર કાનાણીએ આ જ મુદ્દે પત્ર લખ્યો હતો, જેના પગલે પાલિકા અને પોલીસે સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે.

કાનાણીએ પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી
કુમાર કાનાણીએ (Kumar Kanani) પત્રમાં જણાવ્યું છે કે, પાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા ચાલતું દબાણ હટાવવાનું અભિયાન અત્યંત પ્રશંસનીય છે. આ કામગીરીથી વરાછાના રહેવાસીઓને લાંબા સમય પછી રાહત મળી રહી છે.પરંતુ કેટલાક વિસ્તારોમાં ઓટલા પર નાના-મોટા ધંધા કરી પરિવાર ચલાવતા લોકો પણ આ અભિયાનનો ભોગ બની રહ્યા છે. આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કે યોગ્ય સ્થળ આપ્યા વગર સીધું દબાણ હટાવવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
ધારાસભ્યે મેયરને વિનંતી કરી છે કે,“જેમણે ગેરકાયદેસર રીતે રસ્તા-ઓટલા કબજે કર્યા છે તેમની સામે કડક કાર્યવાહી થાય, પરંતુ જે નાના વેપારીઓ પોતાની આજીવિકા ચલાવવા મજબૂર છે તેમને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને પછી જ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ ખોટી રીતે હેરાન ન થાય.” વરાછાના રહેવાસીઓએ કુમાર કાનાણીના આ પગલાની સરાહના કરી છે.
આ પણ વાંચો:ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની માંગ, ખેડૂતોનું દેવું માફ કરો
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા કુમાર કાનાણીએ મ.ન.પા.ને લખ્યો પત્ર
