Lalo Gujarati Movie Cannes History: ગુજરાતી સિનેમા (Gujarati Cinema) માટે વર્ષ 2026 એક સુવર્ણ વર્ષ સાબિત થઈ રહ્યું છે. અંકિત સખીયા (Ankit Sakhiya) દ્વારા દિગ્દર્શિત અને ભારે લોકપ્રિયતા મેળવી ચૂકેલી ફિલ્મ ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’ એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મંચ ગણાતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) માં સ્થાન મેળવીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ સાથે ‘લાલો’ કાન્સ સુધી પહોંચનારી પ્રથમ ગુજરાતી ફિલ્મોમાંની એક બની ગઈ છે, જેણે પ્રાદેશિક સંસ્કૃતિ, સંસ્કારો અને આધ્યાત્મિકતાને વૈશ્વિક ફલક પર એક વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે.
ડિરેક્ટર અંકિત સખીયાએ વ્યક્ત કર્યો ગર્વ અને ખુશી
આ ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ પર ખુશી વ્યક્ત કરતા ફિલ્મના દિગ્દર્શક અંકિત સખીયાએ જણાવ્યું હતું કે, “અમારી માતૃભાષા અને ભવ્ય સંસ્કૃતિ જ અમને આજે આ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ આવી છે. ‘લાલો’ ફિલ્મ દ્વારા અમે ગુજરાતના એક નાના અંશ અને તેની અતૂટ શ્રદ્ધાને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરીને અત્યંત સન્માનિત અનુભવીએ છીએ.”
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો રીવા રાચ્છ (Riva Rachh), શ્રુહદ ગોસ્વામી અને કરણ જોષી જેવા કલાકારોએ પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. મેનિફેસ્ટ ફિલ્મ્સ અને અજય પાદરિયા, જય વ્યાસ તેમજ જીગર દલસાણીયા દ્વારા નિર્મિત આ ફિલ્મ મૂળભૂત કથાઓ અને ભારતીય સંસ્કારોની સાચી શક્તિને દર્શાવે છે.
TV ચેનલ પર ઉપલબ્ધ થશે ટૂંક સમયમાં Lalo film
જે પ્રેક્ષકો થિયેટરમાં (Lalo) આ અદભૂત ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે, તેમના માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ‘લાલો’ (Lalo) ફિલ્મ હાલમાં લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ (Sony LIV) પર સફળતાપૂર્વક સ્ટ્રીમ થઈ રહી છે.
આ ઉપરાંત, આગામી 17 મે, 2026ના રોજ રવિવારે બપોરે 1:00 વાગ્યે સોની મેક્સ (Sony MAX) ચેનલ પર આ ફિલ્મનો ‘વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર’ થવા જઈ રહ્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇતિહાસ રચ્યા બાદ હવે આ ફિલ્મ ટેલિવિઝનના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પણ વાંચો: ઈન્ફ્લુએન્સર તારિણીએ જણાવ્યું કાન્સનું સત્ય, રેડ કાર્પેટ ફોટો માટે આપવા પડે છે લાખો રૂપિયા
આ પણ વાંચો: શાહરૂખ ખાને ખરીદી 5 કરોડની આલીશાન કાર, જાણો શું છે તેની ખાસિયતો
