Surat News : સુરત (Surat)માં વિશ્વાસને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વર્ષ 2025માં અપહરણ અને દુષ્કર્મ (Rape)નો ભોગ બનેલી સગીરાનો કોર્ટમાં કેસ લડી રહેલા વકીલ સામે જ સગીરાના યૌન શોષણ અને બ્લેકમેઈલના ગંભીર આરોપો નોંધાયા છે. ફરિયાદના આધારે સચિન GIDC પોલીસે આરોપી વકીલની ઝડપી કાર્યવાહી કરીને ધરપકડ કરી છે અને POCSO સહિત ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
કેસ લડવાના બહાને વિશ્વાસ જીત્યો
પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2025માં સગીરાના અપહરણ અને દુષ્કર્મ (Rape)ના કેસમાં પરિવારે આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને પોતાના અધિકૃત વકીલ તરીકે એપોઇન્ટ કર્યા હતાને પોતાનો કાનૂની પ્રતિનિધિ બનાવ્યો હતો. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી પરિવારને વકીલ પર સંપૂર્ણ વિશ્વાસ હતો.
આરોપ છે કે વકીલે સગીરાના પિતાને ફોન કરીને દીકરીને પોતાના ઘરે કામ માટે મોકલવાની વાત કરી હતી. સાથે જ જૂના કેસને નુકસાન પહોંચાડવાની ધમકી આપતાં પરિવાર દબાણમાં આવી ગયો અને સગીરાને તેની સાથે મોકલી હતી.
ઘરે લઈ જઈ દુષ્કર્મ અને બ્લેકમેઈલનો આરોપ
ફરિયાદ અનુસાર, આરોપી વકીલ સગીરાને પોતાના નિવાસસ્થાને લઈ ગયો હતો, જ્યાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, શારીરિક શોષણનો વીડિયો મોબાઇલમાં બનાવી બ્લેકમેઈલ કરવાનો પણ આરોપ છે. સગીરાએ બાદમાં સમગ્ર ઘટના પોતાના પિતાને જણાવી હતી.
ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી
સગીરાના પિતાની ફરિયાદના આધારે સચિન GIDC પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપી વકીલ (Lawyer)ને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. હાલ પોલીસે મોબાઇલ સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે.
POCSO અને BNSની ગંભીર કલમો હેઠળ ગુનો
આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ POCSO એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન તમામ પુરાવાઓ એકત્રિત કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમાં ઘરેલું હિંસા, દહેજ ઉત્પીડન, સરકારી કર્મચારી પર હુમલો, જાહેરનામા ભંગ, દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવું અને મારામારી જેવા કેસોનો સમાવેશ થાય છે. પોલીસે તેના ગુનાહિત ઇતિહાસની પણ વિગતવાર તપાસ શરૂ કરી છે.
