Vadodara News : વડોદરા (Vadodara) શહેરમાં વ્યાજખોરો (Money Lender)ના વધતા ત્રાસ સામે લક્ષ્મીપુરા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ઊંચા વ્યાજે નાણાં ધીરીને વર્ષો સુધી લાખો રૂપિયાની વસૂલાત કર્યા બાદ પણ વધુ રકમની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી (Threat)આપવાના આરોપસર પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીએ વર્ષ 2018થી 2022 દરમિયાન કટકે-કટકે કુલ 6 લાખ રૂપિયા 10 ટકા વ્યાજના દરે લીધા હતા. ત્યારબાદ વર્ષ 2018થી ઓક્ટોબર 2025 સુધીમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને રોકડ મળીને અંદાજે 34 લાખ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આટલી મોટી રકમ ચૂકવ્યા છતાં આરોપીઓએ વધુ વ્યાજની માંગણી ચાલુ રાખી હતી. ફરિયાદી દ્વારા વધુ નાણાં ન ચૂકવાતા આરોપીઓ વારંવાર તેમના ઘરે પહોંચતા, ગાળો બોલતા અને જાનથી મારી નાખવાની ધમકી (Threat)આપી દબાણપૂર્વક ઉઘરાણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.
તપાસ દરમિયાન એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફરિયાદીના પતિને ધમકાવીને એક બાંહેધરી પત્ર અને યુનિયન બેંકનો ચેક પણ પડાવી લેવામાં આવ્યો હતો.
આ મામલે લક્ષ્મીપુરા પોલીસ (Lakshmipura Police)સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે પપ્પુભાઈ મનોજભાઈ શર્માની ધરપકડ કરી છે. કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે કેસમાં સંડોવાયેલા અનિતાબેન શર્મા, ઉસ્માનભાઈ મેમણ અને સમીરભાઈ મન્સૂરી હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
