Ahmedabad News/ LD Engineering College: વિદ્યાર્થીને લાફા મારનાર પ્રોફેસરની મોડાસા બદલી, અઢી મહિનાની તપાસ બાદ કાર્યવાહી

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)માં GTU પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને લાફા મારવાના આક્ષેપના કેસમાં અઢી મહિનાની તપાસ બાદ ટેક્નિકલ શિક્ષણ વિભાગે પ્રોફેસર ડી.એસ. પટેલની મોડાસા ખાતે બદલી કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
LD Engineering Collegeમાં વિદ્યાર્થીને લાફા મારનાર પ્રોફેસરની મોડાસા બદલી

Ahmedabad News: અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)માં GTUની થિયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સાથે થયેલી મારામારીના કેસમાં ટેક્નિકલ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને લાફા મારવાના આક્ષેપોનો સામનો કરી રહેલા ફેકલ્ટી સુપરવાઇઝર પ્રોફેસર ડી.એસ. પટેલની મોડાસા ખાતે બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહી સમગ્ર ઘટનાની તપાસ અને તેના આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ બાદ કરવામાં આવી છે. ઘટનાને લઈને પીડિત વિદ્યાર્થી દ્વારા કોલેજ સહિત વિવિધ સ્તરે ફરિયાદ કરવામાં આવી હતી.

ઉત્તરવહી પરત આપવાના મુદ્દે થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ, ગત 2 જૂને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)માં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની થિયરી પરીક્ષા યોજાઈ રહી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી પરત જમા કરાવવાના મુદ્દે વિદ્યાર્થી અને ફેકલ્ટી સુપરવાઇઝર ડી.એસ. પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ ઉગ્ર બનતાં સુપરવાઇઝરે વિદ્યાર્થીને બે લાફા માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું.

LD Engineering College: વિદ્યાર્થીએ વિવિધ સ્તરે કરી હતી ફરિયાદ

ઘટના બાદ પીડિત વિદ્યાર્થીએ સમગ્ર મામલે કોલેજ (LD Engineering College)ના પ્રિન્સિપાલને લેખિત ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ટેક્નિકલ શિક્ષણ વિભાગ અને UGC સમક્ષ પણ રજૂઆત કરીને જવાબદાર સુપરવાઇઝર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College) દ્વારા બંને પક્ષોને સાંભળીને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. કોલેજ સ્તરે તૈયાર કરવામાં આવેલ તપાસ રિપોર્ટ ટેક્નિકલ શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો હતો.

અઢી મહિનાની તપાસ બાદ શિક્ષણ વિભાગનો નિર્ણય

પ્રોફેસર ડી.એસ. પટેલ વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારી હોવાથી કોલેજ (LD Engineering College) સ્તરે સીધી વહીવટી કાર્યવાહી કરવી શક્ય ન હોવાનું જણાવાયું હતું. આથી સમગ્ર મામલો ટેક્નિકલ શિક્ષણ વિભાગ સમક્ષ પહોંચ્યો હતો. લગભગ અઢી મહિનાની તપાસ બાદ વિભાગે તપાસ રિપોર્ટ અને ઘટનાના તથ્યોના આધારે કાર્યવાહી કરી છે. શિક્ષણ વિભાગના ધ્યાને સમગ્ર ઘટનાથી સરકાર અને શિક્ષણ તંત્રની છબી ખરડાઈ હોવાની બાબત પણ આવી હોવાનું જણાવાયું છે. આ બાદ પ્રોફેસર ડી.એસ. પટેલની મોડાસા ખાતે તાત્કાલિક બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

પરીક્ષા કેન્દ્રમાં બનેલી ઘટનાથી ચર્ચા

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અને સુપરવાઇઝર વચ્ચે થયેલી મારામારીનો મામલો સામે આવ્યા બાદ શિક્ષણ જગતમાં પણ ચર્ચા શરૂ થઈ હતી. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સાથે જવાબદાર અધિકારીઓ અને સુપરવાઇઝરના વર્તનને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. હવે શિક્ષણ વિભાગની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વિદ્યાર્થીને ન્યાય મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્રોફેસરની બદલી સિવાય અન્ય કોઈ કાર્યવાહી અંગેની વિગતો સત્તાવાર રીતે સામે આવે છે કે નહીં તે જોવાનું રહેશે.


આ પણ વાંચો:અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગની છત તૂટતા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત, ભયનો માહૌલ

આ પણ વાંચો:સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં 71 હજારથી વધુ સીટોમાં 50 ટકાથી વધુ સીટ ખાલી

આ પણ વાંચો:LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનના ભોજનમાં 27 ટકાનો વધારો, વિદ્યાર્થી સંગઠનનો વિરોધ