MANTAVYA Vishesh/ શ્રીરામલલ્લા મંદિરની કાયદાકીય સફર…મંદિરના વિવાદની અરજી 134 વર્ષ કોર્ટમાં ગોળ-ગોળ ફરી

રામમંદિર વિવાદનાં 500 વર્ષના ઈતિહાસને સમજવા માટે આ કેસનાં કાયદાકીય પાસાંની બારીકાઈઓને સમજવી જરૂરી છે, ત્યારે મંતવ્ય વિશેષનાં આજના એપિસોડમાં સમજો કે શ્રીરામલલ્લા મંદિરની કાયદાકીય સફર કયા તબક્કામાંથી પસાર થઈ અને આખરે ભગવાનને જમીનની માલિકી કેવી રીતે મળી…

Mantavya Exclusive Mantavya Vishesh
રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા
  • રામમંદિરની કાયદાકીય સફર
  • 134 વર્ષમાં ૩ કેસ નોંધાયા
  • પૂજાના અધિકારની માગ સાથે કોર્ટ યાત્રા શરૂ..
  • પૂજાની માગની અરજી પર ગર્ભગૃહનું તાળું ખુલ્યું
  • રામજન્મ સ્થાન કોનું છે તે કેવી રીતે નક્કી થયું !
  • હાઈકોર્ટમાં જમીનના 3 ભાગ પડ્યા
  • બાબરી ધ્વસ્ત કેસ…30 વર્ષ સુનાવણી, બધા આરોપી મુક્ત
  • ષડયંત્રના આરોપ લાગ્યા…CBI સાબિત કરી શકી નહીં

રામમંદિર વિવાદનાં 500 વર્ષના ઈતિહાસને સમજવા માટે આ કેસનાં કાયદાકીય પાસાંની બારીકાઈઓને સમજવી જરૂરી છે. આ મામલો 1885માં કોર્ટમાં પહોંચ્યો હતો અને આખરે 2019માં આ વિવાદનો ઉકેલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ 134 વર્ષમાં પહેલાં બ્રિટિશરાજ અને પછી સ્વતંત્ર ભારતની અદાલતોમાં આ વિવાદને લગતી કેટલી બધી અરજીઓ ગોળ ગોળ ફરતી રહી હતી, મંતવ્ય વિશેષનાંમાં તમે આ વિવાદ સાથે જોડાયેલી ઘટનાઓ વિશે જાણ્યું, ત્યારે મંતવ્ય વિશેષનાં આજના એપિસોડમાં સમજો કે શ્રીરામલલ્લા મંદિરની કાયદાકીય સફર કયા તબક્કામાંથી પસાર થઈ અને આખરે ભગવાનને જમીનની માલિકી કેવી રીતે મળી…

રામ મંદિર વિવાદ 1885 થી 2019 સુધી એટલે 134 વર્ષ સુધી કોર્ટમાં ફર્યા, જેમાં ત્રણ પ્રકારના કેસ કોર્ટ્સમાં ચાલ્યા. જેમાં પ્રથમ પૂજા કે ઈબાદતનો અધિકાર: 1885માં મહંત રઘુબરદાસની પહેલી અરજી પૂજાની મંજૂરી માટે હતી. આ માગ પર અન્ય પણ અનેક અરજીઓ દાખલ થઈ. બીજો રામ જન્મસ્થાનની માલિકીનો હક: 1959માં આવી પહેલી અરજી નિર્મોહી અખાડાએ દાખલ કરી હતી, અને આ પાસાના સમાધાનથી વિવાદનો ઉકેલ મળ્યો.

ત્રીજો બાબરી ધ્વસ્ત કરવાનો કેસ: 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ધ્વસ્ત કરવામાં આવી અને આ પ્રકરણની સુનાવણી પણ આ વિવાદનો મુખ્ય ભાગ રહી.

રામ મંદિર વિવાદમાં પૂજાની માગ કરતી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 4 અરજી સૌથી મહત્ત્વની હતી. પહેલી અરજી 1885: મહંત રઘુબર દાસે 1885માં રામ ચબૂતરામાં પૂજા માટે કોર્ટમાં અરજી કરી હતી, અને અરજી ફગાવી દેવામાં આવી હતી, પરંતુ પહેલીવાર કોર્ટે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું હતું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી અરજી: 1950: 1949માં બાબરી માળખાંમાં મૂર્તિઓ પ્રગટ થયા બાદ, ગોપાલ સિંહ વિશારદે 1950માં પૂજાની પરવાનગી માગતી અરજી કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે 2019માં પોતાનો નિર્ણય આપ્યો ત્યારે આ મામલો પણ પૂરો થયો

ત્રીજી અરજી 1986: 1949માં ગર્ભગૃહમાં તાળું મારવામાં આવ્યું હતું. 1986માં વકીલ યુ.સી.પાંડેએ પૂજા માટે કોર્ટમાં ગર્ભગૃહનું તાળું ખોલવાની માગ કરી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફગાવી દેવાયા બાદ ઉપરી કોર્ટે આ અરજી પર ગર્ભગૃહનું તાળું ખોલવાનો આદેશ આપ્યો હતો. ચોથી અરજી 1994: 1993માં કેન્દ્ર સરકાર અયોધ્યામાં જમીનનો કબજો કરી રહી હતી, ત્યારે ડો.એમ. ઈસ્માઈલ ફારુકીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દલીલ એવી હતી કે મસ્જિદના કબજાને કારણે નમાઝ પઢવામાં આવશે નહીં. કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે નમાઝ પઢવા માટે મસ્જિદ ફરજિયાત નથી.

આખરે સુપ્રીમ કોર્ટે આને જમીની વિવાદ માન્યો અને તેની સાથે જોડાયેલી 3 અરજીને જ માન્ય ગણી. નિર્મોહી અખાડાએ 1959માં પહેલીવાર રામ જન્મસ્થાન પર માલિકી હક દર્શાવ્યો હતો,અને ફૈઝાબાદ કોર્ટમાં જમીનના સંચાલનનો અધિકાર માગ્યો હતો. ત્યારબાદ સુન્ની વકફ બોર્ડ (1961): સુન્ની વમ્ફ બોર્ડે 1961માં માલિકી હકનો દાવો કર્યો. સુન્ની વમ્ફ બોર્ડે અરજીમાં વિવાદિત પરિસરમાંથી મૂર્તિઓ હટાવવાની માગ કરી હતી, તો 1989માં હાઈકોર્ટના પૂર્વ જજ દેવકી નંદન અગ્રવાલે રામમિત્ર તરીકે અરજી દાખલ કરી હતી, જેમાં રામલલ્લાને ન્યાયિક વ્યક્તિ ગણાવ્યા અને જમીન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો

જમીન વિવાદમાં રામલલ્લા વિરાજમાનને પક્ષકાર તરીકે સુપ્રીમ કોર્ટની માન્યતા એ આ વિવાદમાં મહત્ત્વનો વળાંક હતો. હિન્દુ પરંપરામાં ભગવાનને જીવિત વ્યક્તિ માનવામાં આવે છે. ભગવાન સંપત્તિના માલિક હોઈ શકે છે અને કાયદાકીય પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે. 1888માં બ્રિટિશ કાયદા હેઠળ પણ હિન્દુ દેવી- દેવતાઓને કાયદાકીય વ્યક્તિ માનવામાં આવ્યા હતા. આ પહેલાં મનોહર ગણેશ તાંબેકર વિરુદ્ધ લખમીરામ ગોવિન્દ્રમ સહિત ડઝનેક મામલાઓમાં કોર્ટ દેવી-દેવતાઓને કાયદાકીય વ્યક્તિ માની ચૂક્યા હતા. રામલલ્લાની વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી અને આ આધારે તેઓ કાયદાકીય વ્યક્તિ માનવામાં આવ્યા, એટલે કોર્ટે તેમને જ જમીનના માલિક માન્યા

સુનાવણી શરૂ થવામાં 13 વર્ષ લાગ્યા,1989માં ઈલાહાબાદ હાઈકોર્ટ પહોંચેલી અરજીઓ પર સુનાવણી 2002માં શરૂ થઈ. 2003માં ASI ને સર્વેનો આદેશ આપવામાં આવ્યો.હાઇકોર્ટે 2010માં વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચી, અને 2011માં સુપ્રીમ કોર્ટે નિર્ણય રદ્દ કરી કેસ હાથમાં લીધો, ત્યારબાદ 2018માં સુપ્રીમ કોર્ટમાં મોટી બેંચની માગ કરવામાં આવી, અને જે ફગાવી દેવામાં આવી અને ત્યારબાદ 2019માં CJI રંજન ગોગોઈએ નિર્ણય પલટી 5 જજની બેંચ બનાવી.

9 જાન્યુઆરી, 2019ના રોજ બનેલી પાંચ જજની બેંચમાંથી જસ્ટિસ યુ.યુ. લલિત હટી ગયા, કેમ કે બાબરી કેસમાં તેમણે કલ્યાણ સિંહનું પ્રતિનિધિત્વ કર્યું હતું, અને 25 જાન્યુઆરીએ નવી બેંચ બની, ત્યારબાદ 8 માર્ચ, 2019ના રોજ મધ્યસ્થી પેનલ બનાવવામાં આવી. જેમણે 2 મહિનામાં કેસ પૂરો કરવાનો હતો, પરંતુ એવું થયું નહીં, 2 ઓગસ્ટે પેનલ તૂટી ગઈ. પછી 6 ઓગસ્ટ, 2019થી રોજ સુનાવણી શરૂ થઈ અને 40 દિવસમાં પૂરી પણ થઈ ગઈ. કોર્ટે 9 નવેમ્બર, 2019એ નિર્ણય સંભળાવ્યો.

6 ડિસેમ્બર, 1992 જ્યારે કારસેવકોની ભીડે 5 કલાકમાં બાબરી ધ્વસ્ત કરીનાખી, તે પછી ભાજપ અને વિહિપ નેતાઓ ઉપર ભડકાઉ ભાષણ અને લોકોને ઉશ્કેરવાના આરોપમાં કેસ ફાઈલ થયો અને FRI થઈ, FRIમાં લાલકૃષ્ણ અડવાણી, અશોક સિંઘલ, વિનય કટિયાર, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિષ્ણુ હરિ ડાલમિયા અને ગિરિરાજ કિશોરના નામ સામેલ હતા. આ ઘટનાના દસ દિવસ પછી તેની તપાસ કરવા માટે જસ્ટિસ એમએસ લિબ્રાહનની અધ્યક્ષતામાં આયોગનું ગઠન કરવામાં આવ્યું. આ આયોગને 3 મહિનામાં રિપોર્ટ આપવાનો હતો.

હવે 1993માં આ મામલે જોડાયેલા બધા કેસની સુનાવણી લખનઉ સ્પેશિયલ કોર્ટમાં શરૂ થઈ, 1996માં કોર્ટ CBIને કહ્યું કે કેસમાં ગુનાહિત ષડયંત્રની કલમ ઉમેરવામાં આવે,ત્યારબાદ લાંબા સમય સુધી દલીલ અહીં જ અટવાયેલી રહી કે કેસની વચ્ચે આ કલમ જોડી શકાય કે નહીં. 2003માં CBIએ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઈલ કરી પરંતુ તેમાં ષડયંત્રની કલમ જોડી શક્યા નહીં. એવામાં સુનાવણી કરી રહેલી કોર્ટે લાલકૃષ્ણ અડવાણીને મુક્ત કરી દીધા 2005માં ઈલાહાબાદ હાઇકોર્ટે આ આદેશ રદ્દ કરી દીધો મામલાની ફરી સુનાવણી શરૂ થઈ અને 2007માં પહેલીવાર જુબાની લેવાઈ.

2009માં લિબ્રાહન આયોગે રિપોર્ટ સોંપ્યો, જેમાં બાબરી ધ્વસ્તને ષડયંત્ર માન્યું અને જવાબદારો પર કેસ ચલાવવા માટે કહ્યું. બંને મામલાઓની સુનાવણી અલગ-અલગ થવા લાગી, અને તેમને એક કરવાની CBIની અપીલ હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી. 2017માં સુપ્રીમ કોર્ટે આ આદેશ રદ્દ કરી બંને મામલાઓને એક કરી દીધા, અને 20 લોકો પર ષડયંત્રનો આરોપ લગાવવા માટે કહ્યું. CBI કોર્ટે 49 લોકોને આરોપી બનાવ્યા, તેમાંથી 17નાં મોત થઈ ચૂક્યા હતા. આખરે CBI કોર્ટે 30 ઓગસ્ટ, 2022ના રોજ નિર્ણય સંભળાવ્યો, જેમાં લાલકૃષ્ણ અડવાણી સહિત બધા આરોપીઓને મુક્ત કરી દીધા.

1528 થી 2024 એટલે 496 વર્ષ પછી અયોધ્યામાં રામલલ્લાનું મંદિર બની રહ્યું છે. રામ મંદિર વિવાદના આ લાંબા ઈતિહાસના દરેક કાલખંડમાં અનેક નામ હતા જે સમયે-સમયે ચર્ચામાં આવ્યા હતા, આવા નામ જે આ વિવાદનાં કોઈને કોઈ પાસાં સાથે જોડાયા અથવા તેના માટે જ જવાબદાર હતા. કાલનાં મંતવ્ય વિશેષમાં જાણો આ ચહેરાઓ વિશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા