Not Set/ ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….

ચકલી ગર્ભ ધારણ કરે તે પહેલા ચકો ચકીને ગમે તેવો માળો શોધે છે અથવા બનાવે છે. હવે તેવા સમયે કોઈ માળો તોડી નાખે તો તેના ઈંડા બચવાની શક્યતા નહિવત થઇ જાય છે.

Ajab Gajab News
Untitled 35 ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ....
  • ઘર ચકલી/House Sparrow / Passer domesticus
  • કદ: ૬ ઇંચ – ૧૫ સે.મી./ પાંખો પહોળાઈ: ૬ ઇંચ – ૧૫ સે.મી./ વજન: ૩૦ ગ્રામ સુધી./ આયુષ્ય: ૬ વર્ષ.

જૈન ધર્મ માં પર્યાવરણના પાયાના સિદ્ધાંત,નિયમો, તપ, તપશ્ચર્યા અને ઉત્સવ સાથે સીધો સમન્વય ધરાવે છે. જૈન ધર્મ ના સિદ્ધાંતો સમય સાથે વૈજ્ઞાનિક ગણી સર્વત્ર વધારે અને વધારે પૃષ્ટિ પામી રહ્યા છે. માનવ જીવન તેમજ બાકીના દરેક જીવનના અસ્તિત્વ માટે પર્યાવરણ અને સહઅસ્તિત્વનો સમન્વય એકબીજાના પૂરક અને અભિન્ન અંગ છે જે સિદ્ધાંત જૈન ધર્મ ના અહિંસાનો નિયમ અને સમતાના ગુણમાં સમાયેલા છે. બધા જીવો પ્રત્યે સંયમપૂર્વક વ્યવહાર એટલે અહિંસા. મન, વચન અને કાયાથી – પૃથ્વી, જળ, વનસ્પતિ અને વાયુમાં રહેલા જીવો પ્રત્યે ખોટું આચરણ એ અધર્મ અને હિંસા છે.

jagat kinkhabwala ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ....

ભારત ઉષ્ણ કટિબદ્ધ પ્રદેશ છે અને ભારત જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. ભારતમાં ૯૬૦ જેટલી જાતના પક્ષી છે અને ૧૫,૦૦૦ જાતના વૃક્ષ છે. પરંતુ વિકાસની દોડમાં અને ભૌતિક સુખની પાછળ માનવીની દોટમાં પર્યાવરણનો ચારે દિશામાં બહુ ઝડપથી નાશ થઇ રહ્યો છે જે દરેક જીવ અને માનવીના અસ્તિત્વ માટે ખતરાની ઘંટડી છે. પૃથ્વીનું અસ્તિત્વ કરોડો વર્ષથી છે અને માનવીનું અસ્તિત્વ થોડાક હજાર વર્ષથી છે પરંતુ માનવી પૃથ્વીનો માલિક હોય તેવી રીતે વર્તી રહ્યો છે. આશરે ૧૧૦ વર્ષથી શરુ થયેલી ઔદ્યોગિક ક્રાંતિની સાથે ભૌતિક વિકાસ ખુબ ઝડપથી વધી રહ્યો છે અને તેની સાથેસાથે નાના મોટા દરેક જીવનું નિકંદન નીકળી રહ્યું છે અથવા માનવ પોતે કાઢી રહ્યો છે.

ભારતવર્ષમાં ૬ પ્રકારની ચકલી જોવા મળે છે. એક સમયે આપણા ઘરની સદસ્ય એવી અહીં લુપ્ત થઇ રહેલી ઘર ચકલીની સંખ્યા બહુ ઝડપથી ઘટી રહી છે તેને આપણા સહુના નાના નાના પ્રયાસથી પાછી લાવવાની વાત છે. ઘર ચકલી એ માનવ વસાહતની આસપાસ વસનારું એક કોમન પક્ષી છે. તે આખા ભારતમાં જોવા મળતા ૧૭ કોમન પક્ષીમાંનું એક છે. હાલના સમયમાં ધીરે ધીરે દરેક પક્ષી અને બધા નાનામોટા જીવ માટે અસ્તિત્વની પરિસ્થિતિ વણસતી જાય છે.

Untitled 36 ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ....

આ પક્ષીઓમાંથી ઘર ચકલીની સંખ્યા વધારે ઘટી ગઈ છે અને નામશેષ થઇ રહી છે તે એક મોટી ચિંતાનો વિષય છે. બધા પક્ષીઓની સંખ્યા ઘટવાની પ્રક્રિયામાં ઘર ચકલીની સંખ્યા વધારે ઘટી ગઈ છે જે માટે તેમની એક જિનેટિક/ આનુવંશિક ખામી મોટો ભાગ ભજવી રહી છે. બીજા પક્ષીની જેમ ચકલીને ઈંડા મુકવા માટે માળો ગૂંથતા નથી આવડતો. તે હંમેશા ઘરની અંદર અથવા બહાર બાકોરામાં, કાણામાં, ગેપમાં માળો બનાવે. જમાનાથી લોકો તેને કૌટુંબિક સભ્ય ગણીને ઘરમાં માળો બનાવે તો પણ માળો બનાવા દેતા તેમજ તેમને માટે દાણા પણ નાખતા. ઘરમાં તેઓ ફોટાની પાછળ કે વાસણની છાજલીમાં વાસણની નીચેથી રહી ગયેલી બખોલમાં કે છતના પંખામાં માળો બનાવે તે દરેક માટે સામાન્ય વાત હતી અને તે જોઈ સહર્ષ જીવાદાયની લાગણી થતી.

સમય સાથે ધીરેધીરે ભાગદોડ ભરી જિંદગીમાં અને માનવીએ અપનાવેલી નવી જીવનશૈલીમાં આવા પક્ષીઓ, પતંગિયા અને વૃક્ષનું કોઈ સ્થાન નથી અને પોતાની જરૂરિયાત મુજબ આવા જીવની જરૂરિયાતની વસ્તુઓ માનવી નાશ કરી રહ્યો છે. કોઈ ચકલીએ માળો બનાવ્યો હોય તો લોકો સ્વચ્છતા જોઈએ છે માટે માનવી માળો તોડી નાખે છે. નવા ડિઝાઇન/આર્કીટેક્ચરમાં તેઓ કોઈ પણ જગ્યાએ માળો બનાવી શકે તેવી જગ્યા નથી રહી. દાણા, પાણી નથી આપતા અને વૃક્ષની સંખ્યા ખુબ ઝડપથી ઘટી રહી છે. ચકલી ગર્ભ ધારણ કરે તે પહેલા ચકો ચકીને ગમે તેવો માળો શોધે છે અથવા બનાવે છે. હવે તેવા સમયે કોઈ માળો તોડી નાખે તો તેના ઈંડા બચવાની શક્યતા નહિવત થઇ જાય છે. તે વિપરીત સંજોગોમાં ગમે તે જગ્યાએ ઈંડા મૂકી દેવા પડે છે. બચ્ચાંના જન્મ સમયે ઉપર માળામા તેમને ખવડાવા માટે ઈયળો અને જીવજંતુ જોઈએ જેનાથી તેમનું શરીર બંધાય. હાલમાં નાના બગીચા કે ખેતરમાં પેસ્ટીસાઈડ ઉપયોગ વધી ગયો છે જેના ઝેરથી જીવાત મરી જાય છે અને આવી જીવાત જ્યારે ચકલી બચ્ચાને ખવડાવે કે પોતે ખાય તો મરી જાય છે. હવાનું પ્રદુષણ, માળા નજીક કચરો બાળવાથી ઉભા થતા ખતરનાક પ્રશ્નો, અને અવાજનું પ્રદુષણ – જે કારણે તેઓની પ્રજનનની ઋતુમાં પ્રજનન માટેનો સંદેશ પોતાના સાથીદાર સુધી પહોંચતો નથી તેમજ નાના બચ્ચાની ભૂખ વધતા તેમનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી અને ખુબ નાનું બચ્ચું કુપોષણનો ભોગ બને છે. ક્લાઈમેટ ચેઈન્જને કારણે સતત વધી રહેલા તાપમાનમાં તેમજ વૃક્ષ વિનાના કોન્ક્રીટ અને કાચના જંગલમાં સિમેન્ટ કોક્રિટની ભવ્યતા વધી રહી છે પરંતુ બાકીના જીવ માટે જીવન જીવવું હરામ થઇ ગયું છે.

આ બધા પ્રશ્નો વચ્ચે પણ ચકલીની સંખ્યા કેવી રીતે વધારાય? તેનો સરળ જવાબ છે. ધીમે ધીમે માનવી વધારે અને વધારે પ્રેક્ટિકલ બની બધી વસ્તુમાં પ્રેક્ટિકલ સમાધાન શોધે છે. પહેલાની જેમ તમે ઘરની અંદર ચકલીને માળો ન બનાવવાદો તો કોઈ વાંધો નહિ. ઘરે વધેલા પેકિંગના પૂંઠાનો, લાકડું વાપરતા વધેલા લાકડાના ટુકડામાંથી બનાવેલો માળો કે ટેરાકોટાનો માળો છાયામાં દીવાલે લગાવી દો જે ચકલી જાતે શોધીને ઉપયોગમાં લઇ લેશે. સાથેસાથે નિયમિત રીતે છાંયામાં તેમને પીવા માટે નળનું પાણી જુના વાસણમાં કે ટેરાકોટાના બાઉલમાં રોજ નવું પાણી મુકવાનું રાખો. તેમને માટે ટેરાકોટાની ડીશમાં કે બોટલ ફીડરમાં બાજરી (૭૫%) અને ચોખા (૨૫%) મૂકી દો. તેઓ ૪ ગ્રામ જેટલો ખોરાક ખાય અને ૨ થી ૪ ચમચી પાણી પીવે. આ બધું બહુ સામાન્ય ખર્ચમાં અને રોજના ખુબ ઓછા સમયમાં થઇ શકે. આ વ્યવસ્થા ફ્લેટની કે બંગલાની બાલ્કનીમાં પણ કરી શકાય તેના પ્રવેશ દ્વાર ઉપર સીધો તડકો ન આવે અને વરસાદના પાણીની અસર ન થાય. માળો ૬ થી ૭ ફૂટ ઊંચે છાયામાં લગાવો જેથી તે ઊંચાઈના લીધે બિલાડી જેવા જાનવરનો ભોગ ન બને. હે માનવી, તું માનવ થાય તો ઘણું…

ધીરેધીરે જ્યારે તેમનું આ બધા ઉપર ધ્યાન જશે તેટલે તેઓ ચતુરાઈથી પહેલા ચકાસશે કે આ કોઈ પકડવાની વૃત્તિ નથી અને પછી તેઓ ધીરેધીરે પક્ષી દાણા પાણી માટે આવવાના શરુ થશે. ચકલી પ્રજનનની ગરમીની ઋતુમાં તેઓ ગર્ભ ધારણ કરવાના દિવસોમાં માળો લઇ જાતે તેમાં જોઈતું ઘાસફૂસ નજીકમાંથી ભેગું કરી ભરશે. પહેલા નર માળો શોધે, માદા પસંદ કરે અને ત્યારે નર તેમાં સળીઓ વગેરે ભારે જેની ઉપર છેવટે માદા પોચું ઘાસ વગેરે ભરી પથારી જેવી વ્યવસ્થા કરી ઈંડા મૂકે. વરસોવરસ આ માળો તેઓ વાપરે તે બહુ સામાન્ય અનુભવ છે. એક માળામાં ૪ થી ૭ ઈંડા મૂકે જે સફળ થતા તે તમારું આપેલું યોગદાન જે આપને અનહદ આનંદ અને સંતોષ આપશે! કેટલા ઓછા ખર્ચે અને રોજની ૫ મિનિટની મહેનત કેવો રંગ લાવે! ચોક્કસ તેમનું ધ્યાન જાય ત્યાં સુધી ધીરજ રાખવાની. સારી ભાવનાથી કરેલું કોઈપણ કામ સારું પરિણામ આપે છે. દાણા અને પાણીનો લાભ બીજા પક્ષીઓ પણ લેશે અને તે સર્વેનો સુમધુર કલબલાટ તમારાઆંગણાને પ્રફુલ્લિત કરી દેશે.

ચકલી જેવા બધા જીવ પૃથી ઉપર પોતપોતાનો એક ચોક્કસ ભૂમિકા/ રોલ લઈને જન્મેલા છે. તેઓ જે જીવડા અને ઈયળો ખઈ જાય છે તેવા જીવના શરીરમાં જુદા જુદા વાઇરસ હોય છે. ચકલી તેમને ખાઈ જતા તેવા જીવના શરીરમાં રહેલા વાયરસ પણ મરી જાય છે. જ્યારે આવા વાયરસવાળા જીવને ખાનાર ચકલી ન હોય તો તેવા જીવના શરીરમાં વાયરસ વધારે સક્ષમ થતા જાય છે જેના કારણે નવા નવા રોગ ફૂટી નીકળ્યા છે જે જુદા જુદા પક્ષી અને જીવના શરીરમાં જોવા મળે છે અને રોગચાળો વધતો જાય છે. આજે એવા બહુ રોગ છે જે પહેલા હતા નહિ અને આજે ખુબ વધી ગયા છે. આ છે ચકલી જેવા દરેક જીવનું કુદરતના સંતુલનમાં યોગદાન અને મહત્વ.

આપણે ભેગા મળી ચકલીને લુપ્ત થતી બચાવવી છે. સીધી વાત છે કે તેમ કરતા વિવિધ જાતના પક્ષીને પણ દાણા પાણીનો લાભ મળશે અને ક્યારેક બીજા નાના પક્ષી પણ આવો માળો લઇ લેશે. તેમની સંખ્યા પણ વધશે. તમારી સફળતાથી બીજા લોકો પ્રેરાશે, વધારે લોકો જોડાશે અને પ્રવૃત્તિ ખુબ આગળ વધશે. લોકો માળા તોડશે નહિ અને હિંસા થતી અટકશે, જીવદયાનું કામ થશે અને સમાજને કશુંક પાછું આપી શક્યા તેનો સંતોષ થશે. માનવીમાં સહઅસ્તિત્વની ભાવના કેળવાશે અને સંવેદનશીલતાનો ગુણ અને સંસ્કારિતા વધશે અને આવનાર પેઢીનું ભવિષ્ય સુધરશે.

સાલ ૨૦૦૮ થી શરુ કરીને હું, મારું કુટુંબ અને ખાસ કરીને પત્ની શિલ્પાની અવિરત પ્રયત્નથી મહેનત રંગ લાવી છે. અમે શરુ કરેલી આ ઝુંબેશથી ૧,૫૦,૦૦૦ કરતા વધારે બચ્ચા અમે આપેલા નિઃશુલ્ક આપેલા ૧,૨૫,૦૦૦ માળામાં જન્મ લઇ ચુક્યા છે જેના ફોટોગ્રાફ્સ અને વિડિઓ દસ્તાવેજ કરેલા છે અને આગળ આ કાર્યને વધારે વેગ આપી આગળ સફળતા પૂર્વક ધપાવી રહયા છીએ. “સેવ ધ સ્પેરો” પુસ્તક લખ્યું છે જેની ૪ આવૃત્તિ બહાર આવી ગઈ છે જેની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રસિદ્ધ “મન કી બાત” કાર્યક્રમમાં સરાહના કરી છે અને અંગત અભિભૂત થવાય તેવો કાગળ લખ્યો છે. મીડિયામાં દરેક જગ્યાએ નિયમિત રીતે લેખ પ્રકાશિત થાય છે, આટલા વર્ષથી આવતા ટીવી ઇન્ટરવ્યૂ અને સોસીયલ મીડિયામાં આવતા લેખ તેમજ વિવિધ સંસ્થાઓમાં લેવામાં આવતા સેશન દ્વારા ખુબજ જાગૃતિ ફેલાઈ રહી છે, વધારે અને વધારે લોકો સાથે જોડાઈ રહ્યા છે અને તમે જોડાશો તેવી શુભેચ્છા.

જૈન ધર્મને સાચી રીતે જીવવા માટે આપને એક વધારે નજરાણું! આવો સહુ મળીને આપણે આપણા ભવને સાર્થક કરીએ. બીજા માટે પણ કશુંક કરીએ તેવી પ્રેરણા મળશે અને પુણ્યનું ભાથું બાંધીએ. ફોટોગ્રાફ તમને સજાવટ કરવા માટેની સમજ આપશે.

@લેખક: જગત કીનખાબવાલા, સ્પેરો મેન

(ફોટોગ્રાફ અને વિડિયો: શ્રી જગત કીનખાબવાલા)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો