Vadodara News : વડોદરા પાસે ડભોઈમાં આવેલી મહાલક્ષ્મી બેંકની માન્યતા RBI એ રદ્દ કરી દીધી છે. બેંકના અવ્યવસ્થિત વહીવટના કારણે RBIએ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે.
વડોદરા જિલ્લામાં પ્રસ્થાપિત મહાલક્ષ્મી બેંકના વહીવટ સામે અનેક ગેરરીતિ સામે આવી હતી. છેલ્લા ઘણા સમયથી મહાલક્ષ્મી બેંકમાં વિવાદ ચાલતો હતો. બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાલક્ષ્મી બેંકની વડોદરા જિલ્લામાં 5 જેટલી બ્રાન્ચ આવેલી છે. આ બધી બ્રાન્ચને બંધ કરવામાં આવશે. આ આરબીઆઈના નિર્ણયથી ખાતેદારોના જીવ અદ્ધર થઈ ગયા છે.

મેનેજરે કરી હતી ફરિયાદ
મહાલક્ષ્મી બેંકના હાલના મેનેજરે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં 3.15 કરોડ રૂપિયા પૂર્વ મેનેજર સુરેશ પટેલ સહિત ત્રણ લોકો દ્વારા ખોટી સહી અને અનઓપરેટ બે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી ઉચાપત કર્યાના આક્ષેપ સાથે બેંક મેનેજર અરૂણ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી.
અન્ય વિવાદ
ચેરીટી કમિશ્નર દ્વારા બેંકનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પણ અનેક ગેરરીતિઓ બહાર આવી હતી. આ કારણે 6 મહિના સુધી બેંકે આપેલા ધિરાણોની રિકવરી અને અન્ય ધિરાણો ન આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર બાબતોમાં બેંકના સત્તાધીશોને કોઈ ફરક પડ્યો ન હતો. પણ બેંકના ખાતેદારોને તેની સીધી અસર થઈ હતી.
