Breaking News/ રાજકોટની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ₹25.36 લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી

રાજકોટની D.H. સરકારી કોલેજ (Rajkot DH College Principal)ના પ્રિન્સિપાલ પરેશ રાવલને ₹25.36 લાખની નાણાકીય ગેરરીતિના કેસમાં સરકારી સેવામાંથી દૂર કરાયા. RUSAની ₹50 લાખની ગ્રાન્ટ સહિતની ગેરરીતિઓની તપાસ બાદ કાર્યવાહી.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot DH College Principal: ₹50 લાખની RUSA ગ્રાન્ટમાં ₹25.36 લાખની ગેરરીતિનો કેસ

Breaking News: રાજકોટની આઝાદી પૂર્વેની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ (Rajkot DH College Principal) સરકારી કોલેજના પ્રિન્સિપાલ પરેશકુમાર નવતમલાલ રાવલ સામે રાજ્ય શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિ સહિતના ગંભીર આક્ષેપોની લાંબી તપાસ બાદ તેમને સરકારી સેવામાંથી ‘રૂખસદ’ની શિક્ષા કરવામાં આવી છે.

રાજ્યપાલના હુકમથી કરવામાં આવેલી આ કાર્યવાહીના પગલે પરેશ રાવલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રાજકોટની AMP લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીને ધર્મેન્દ્રસિંહજી કોલેજ (Rajkot DH College Principal)ના આચાર્યનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Rajkot DH College Principal: કચ્છની કોલેજોમાં ફરજ દરમિયાન ગેરરીતિના આરોપો

શિક્ષણ વિભાગની કાર્યવાહીનો સંબંધ પરેશ રાવલની અગાઉની ફરજ સાથે છે. તેઓ 5 ઓગસ્ટ 2011થી 14 ડિસેમ્બર 2018 દરમિયાન કચ્છની રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા ભુજની આર.આર. લાલન કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નિયમોના ભંગ, નાણાકીય પ્રક્રિયાઓનું પાલન ન કરવા અને સરકારી નાણાંના વ્યવહારમાં અનિયમિતતા સહિતના છ ગંભીર આરોપો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સત્તાનો દુરુપયોગ અને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોના ભંગ અંગેના મુદ્દાઓ સામે આવ્યા હોવાનું શિક્ષણ વિભાગના આદેશમાં જણાવાયું છે.

Rajkot DH College Principal: ₹50 લાખની RUSA ગ્રાન્ટમાંથી ₹25.36 લાખના ખર્ચમાં ગેરરીતિ

મામલાનો સૌથી મહત્વનો મુદ્દો વર્ષ 2016માં મળેલી RUSA (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની ₹50 લાખની ગ્રાન્ટ સાથે જોડાયેલો છે. વિભાગીય તપાસ મુજબ, ખર્ચ માટે જરૂરી પ્રક્રિયા અનુસર્યા વિના વિવિધ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તેના આધારે ₹25,36,772નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભુજ ખાતેની ફરજ દરમિયાન સરકારી હિસાબોમાં અનિયમિતતા અને મહત્વના દસ્તાવેજોના સંચાલનમાં બેદરકારી અંગે પણ તપાસમાં નોંધ લેવાઈ હતી.

રેકોર્ડ, કેશબુક અને ડેડસ્ટોક રજિસ્ટર અંગે પણ સવાલ

તપાસમાં જણાવ્યા મુજબ, કોલેજ (Rajkot DH College Principal)ના વહીવટી અને નાણાકીય રેકોર્ડ જાળવવામાં પણ ગંભીર ખામીઓ સામે આવી હતી. આમાં ડેડસ્ટોક રજિસ્ટર અને કેશબુક ન લખવી, PLA વાઉચર્સ તથા અન્ય રેકોર્ડ ગુમ થવા અને પસ્તીના વેચાણમાંથી મળેલી રકમ સરકારી ચલણ મારફતે જમા ન કરાવવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખરીદી અને અન્ય કામગીરીમાં સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદ નીતિ તથા સમયાંતરે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન થયું હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Rajkot DH College Principal: બસના બિલમાં વિસંગતતા છતાં ચૂકવણી

બીજી ગેરરીતિ ગ્રાન્ડ એજ્યુકેશન ફેર સાથે જોડાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 76 વિદ્યાર્થીઓ અને 3 અધ્યાપકોને ભુજથી અમદાવાદ લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટેની એજન્સીના બિલ અને ટોલટેક્સ સ્લીપમાં દર્શાવાયેલા બસ નંબર વચ્ચે વિસંગતતા હોવા છતાં ચુકવણી કરવામાં આવી હતી. વિભાગીય તપાસમાં આ ચુકવણી પહેલાં જરૂરી ચકાસણી કરવામાં આવી ન હોવાનો મુદ્દો પણ નોંધાયો છે.

એક જ કામનું બે વખત પેમેન્ટ

તપાસ દરમિયાન વધુ એક નાણાકીય અનિયમિતતા સામે આવી હતી. 29 ઓગસ્ટ 2017ના જીમ સંબંધિત બિલની રકમ 12 સપ્ટેમ્બર 2017ના રોજ PLA એકાઉન્ટમાંથી એક જ કામ અને એક જ પાર્ટીને બે વખત ચૂકવાઈ હોવાનો તપાસમાં ઉલ્લેખ છે.

આ ઉપરાંત વર્ષ 2014માં તિજોરી કચેરી દ્વારા અમાન્ય ઠેરવાયેલા એક TA બિલને પણ બાદમાં નિયમો વિરુદ્ધ PLA એકાઉન્ટમાંથી મંજૂર કરીને ચૂકવણી કરવામાં આવી હોવાનો આરોપ તપાસમાં નોંધાયો છે.

રાજ્યપાલના હુકમથી સરકારી સેવામાંથી ‘રૂખસદ’

ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971ના નિયમ-6 હેઠળ થયેલી કાર્યવાહી બાદ રાજ્યપાલના હુકમથી પરેશ રાવલને સરકારી સેવામાંથી ‘રૂખસદ’ની શિક્ષા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઉપસચિવ કે. આઈ. સોલંકી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અહીં નોંધવું જરૂરી છે કે ‘રૂખસદ’નો અર્થ આ કિસ્સામાં સરકારી સેવામાંથી દૂર કરવાની શિસ્તાત્મક કાર્યવાહી છે. આ કાર્યવાહી લાંબી વિભાગીય તપાસ બાદ કરવામાં આવી હોવાનું આદેશમાં દર્શાવવામાં આવ્યું છે.

D.H. કોલેજનો વધારાનો હવાલો ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીને

પરેશ રાવલ (Paresh Rawal)ને પદ પરથી દૂર કર્યા બાદ રાજકોટની AMP લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ (Rajkot DH College Principal)ના આચાર્ય તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી બાદ હવે કોલેજના વહીવટ અને શૈક્ષણિક કામગીરીની જવાબદારી નવા હવાલેદાર આચાર્ય સંભાળશે.


આ પણ વાંચો: રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ધોકા,હોકી સ્ટિક અને પાઇપ વડે વિદ્યાર્થીઓએ કરી મારામારી

આ પણ વાંચો: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં એલ્યુમિની એસોશિએશનનું અધિવેશન યોજાયું  

આ પણ વાંચો: રાજકોટમાં કોલેજીયન સગીરાની જાતીય સતામણી, ‘માસા’ સામે પોક્સો હેઠળ ગુનો