ઓફિસમાં કામ કરતીવેળા આપણે બધા લોકો કંઈકને કંઈક ખાતા જ રહેતા હોઈએ છીએ, જે ક્યાંકને ક્યાંક આપણી મેદસ્વીતાનું કારણ બનવા લાગે છે. લોકો અત્યારે મેદસ્વીતાથી એટલા બધા હેરાન થઈ ગયા છે કે, તેમણે જીમમાં એક્સરસાઈઝ કરવાનું, પાર્કમાં જઈને ચાલવાનું, સાઈકલિંગ કરવાનું વગેરે જેવા પ્રયોગો કરવાની શરુઆત કરી દીધી છે. એટલુ જ નહીં, તેઓ પોતાના ડાઈટ પર પણ કંટ્રોલ કરી રહ્યા છે. લોકો અત્યારે મેદસ્વીતાના કારણે ગંભીર બિમારીઓમાં પણ સપડાઈ રહ્યા છે.
એક નવા સંશોધનમાં સામે આવ્યુ છે કે, હવે એવા યુવા અને વૃદ્ધ લોકો હૃદયની બિમારીના શિકાર થઈ રહ્યા છે. જેઓ મેદસ્વીતા ધરાવે છે. આ ઉપરાંત અન્ય કેટલીક બિમારીઓમાં પણ તેઓ સપડાતા હોય છે. સામાન્ય રીતે જાવા મળે છે કે, ઓફિસમાં કામ કરતીવેળા લોકો ચા અથવા કોફીની સાથે સ્નેક્સ પણ લેવાનું પસંદ કરતા હોય છે.
એક નવા સંશોધનમાં સામે આવ્યુ છે કે, સ્નેક્સના સેવનથી વારંવાર ખાવાની લાલસા વધી જતી હોય છે, જેનાથી લોકો મેદસ્વીતાનો શિકાર બને છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ એવી પણ હોય છે જે ચા-કોફીની સાથે પોતાના કર્મચારીઓને ફ્રીમાં સ્નેક્સ પણ પ્રોવાઈડ કરતી હોય છે. જેના કારણે કર્મચારીઓ તે તરફ વધુ આકર્ષાય છે અને લાંબાગાળે મેદસ્વીતાનો શિકાર બને છે.
અમેરિકાની સેંટ જાસેફ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને મુખ્ય સંશોધક અર્નેસ્ટ બાસ્કિનના જણાવ્યા મુજબ, આ ઘણી આશ્ચર્યની વાત છે કે સ્નેક્સ અને પ્રવાહી પદાર્થો વચ્ચેની પસંદગી, સ્નેક્સ લેવાની આદતમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે. સંશોધન દરમિયાન સ્નેક્સનું સેવન કરવાની આદત પુરુષોમાં મહિલાઓથી વધારે જાવા મળે છે. આ સંશોધન એપેટાઈટ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે.
