નવી દિલ્હી,
મોસુલમાં આઈએસના હાથે મોતને ભેટેલ ૩૯ ભારતીય નાગરીકોના મૃતદેહના અવશેષો એપ્રિલની શરૂઆતમાં જ ભારત પરત લાવવામાં આવશે.
મોસુલમાં માર્યા ગયેલાં ભારતીયોના અવશેષો લાવવા માટે કેન્દ્રીય રાજ્ય વિદેશમંત્રી વી કે સિંહ 1 એપ્રિલે ઈરાક જશે અને એરફોર્સના વિશેષ વિમાન મારફતે તમામ ૩૯ ભારતીય નાગરીકોના મૃતદેહના અવશેષો લઈને ભારત પરત ફરશે. આ મૃતકોમાંથી મોટાભાગના પંજાબના હોવાના કારણે એરફોર્સનુ વિમાન સૌથી પહેલા અમૃતસરમાં લેન્ડીંગ કરશે.
આ તમામ ભારતીયોના મોત થયાની આશંકા જુન ૨૦૧૪માં થઈ હતી. જો કે તેની પુષ્ટી તાજેતરમાં જ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં કરી હતી. ઈરાકના મોસુલ શહેરમાંથી આઈએસઆઈએસનો સફાયો થઈ ગયા બાદ વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ મોસુલ ગયા હતા. જ્યાં તેમણે આ ભારતીય નાગરીકોને શોધવા કવાયત શરુ કરી હતી. વી કે સિંહે જણાવ્યુ હતું કે, બદુસ શહેરના એક પહાડી વિસ્તારમાં આ તમામ મૃતદેહો દફન કરવામાં આવેલ હતા. જેને શોધી કઢાયા બાદ ડીએનએ ટેસ્ટ કરી તે મૃતદેહો ભારતીયોના જ હોવાની પુષ્ટી કરવામાં આવી હતી. ત્યારે હવે આ મૃતદેહના અવશેષોને ભારત પરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એપ્રિલની શરૂઆતમાં જ તમામ મૃતદેહના અવશેષો ભારત લાવીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
