આજકાલ સ્કિન કેર માટે ઘરગથ્થુ નુસ્ખા અનેક લોકો કરતા હોય છે. આવા ઘરગથ્થુ નુસ્ખાનો ઘણા સમયથી લોકો ઉપયોગ કરતા આવી રહ્યા છે.જેમાં આપણે રસોઈ ઘરના જ અનેક મસાલાઓનો ઉપયોગ કરતા હોઈ છીએ. પરંતુ ક્યારેક આવા મસાલા તમારી ત્વચાને સુંદર બનાવવાના બદલે બગાડી પણ શકે છે. ત્યારે જાણી લો કે ક્યાં મસાલાનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવવા અને ક્યાં મસાલાનો ઉપયોગ માત્ર રસોઈમાં જ કરવો જોઈએ.
સ્કિન કેયરની વાત આવે તો આપણે મસમોટા ખર્ચા કરવાના બદલે ઘરગથ્થુ ઉપચાર કરવાનું જ વિચારતા હોઈએ છીએ.કારણ કે આપણને દાદી અને નાનીઓ પાસેથી સાંભળવા મળતુ હતુ કે આ જ ઘરગથ્થુ નુસ્ખાથી તેઓ સુંદર દેખાતા હતા. પરંતુ તે સમયના મસાલામાં કેમિકલનો ઉપયોગ નહોતો થતો, ત્યારે આજના જમાનામાં અમુક વસ્તુઓ એવી છે, જેનો ઉપયોગ માત્ર રસોઈ પુરતો જ કરવો જોઈએ. તેમ છતાં જો આપણે આ મસાલાઓનો આડેઘડ ઉપયોગ કરતા રહ્યા તો આપણી ત્વચાનો કચ્ચરઘાણ નીકળવાનું નક્કી છે. ત્યારે આવો જાણી લઈએ કે એવા ક્યાં મસાલા છે જેનો ઉપયોગ સ્કિન કેર માટે કરવાનો નથી.
સરસો પાવડર
સરસોમાં એવા ઘણા જ કુદરતી તત્વો હોય છે,જે ત્વચા માટે હાનિકારક હોય છે. જેના કારણે ત્વચા પર રેડનેસ, ફોલ્લીઓ થઈ અને ઈરિટેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી આ પાવડરનો ઉપયોગ સ્કીન માટે ભુલથી પણ ન કરવો જોઈએ.
લવિંગ
લવિંગ કે તે તેના તેલનો ઉપયોગ તમે કરો છો, તો બંધ કરી દેજો. કારણ કે લવિંગ કે તેના તેલથી સ્કીન પર ઈરિટેશન થઈ શકે છે. આના ઉપયોગથી ચામડી પર બળતરા કે એલર્જી પણ થઈ શકે છે.એટલે લવિંગનો ઉપયોગ કરવાનું ટાળજો
હળદર
હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. જેના કારણે તેનો ઉપયોગ ઘરેલુ નુસ્ખા તરીકે ખૂબ જ થાય છે. સાથે જ ફાયદાકારક હોવાથી પણ લોકો આનો ખુબ ઉપયોગ કરે છે. ફેસપેકમાં હળદરનો ઉપયોગ સામાન્ય માનવામાં આવે છે.પરંતુ જો વધારે પડતો ઉપયોગ કરશો, તો તે તમારા ચહેરાને પીળો બનાવી દેશે. એટલે જ હળદરનો વધારે પડતો ઉપયોગ ન કરો.
કાળા મરી
કાળા મરીના દાણા નાના હોય છે. એટલે લોકો તેનો ઉપયોગ સ્કિન એક્સફોલિએટ તરીકે કરે છે.પરંતુ તે તમારી ત્વચા માટે ખૂબ જ સખ્ત હોય છે. અને તેના કારણે તમારી ત્વચા પર માઈક્રો ટિયરિંગ એટલે કે ચામડી પર નાના ચીરા પડી શકે છે. જેના કારણે તમારી ત્વચા લાલ થઈ જશે અને બળતરા પણ થઈ શકે છે.
આદું
આદુંને ફક્ત ખાવામાં વાપરીએ તો જ સારૂ, કારણ કે તે ચામડી પર લગાવવા માટે નથી. ચામડી પર તેને લગાવવાથી ઘણા જ નુકસાન થઈ શકે છે. આદું લગાવવાથી ત્વચા પર લાલાશ અને ઈરિટેશનની સમસ્યા થઈ શકે છે. એટલે જ આદુંને ખાસ કરીને ચહેરા પર ન લગાવવામાં જ ભલાઈ છે.
