કેશોદ,
ગુજરાતની શાન ગણાતા ગીરના સિંહોના મોત મામલે ફરી એકવખત મીડિયા સામે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ ગુપ્તાએ સરકારનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે.
સિંહોના મૃત્યુ માનવસર્જીત કે ઝેરી પદાર્થો ખાવાને કારણે નથી થયા પરંતુ ઈનફાઈટના કારણે થયા છે તેવું તેમણે જણાવ્યું હતું. અગ્ર મુખ્ય વનસંરક્ષક વન્ય પ્રાણી વર્તુળનાં અક્ષય સક્સેનાનાં માર્ગદર્શન અને દેખરેખ તળે સિંહોનું સ્ક્રેનીંગ કરવા ૬૪ ટીમો બનાવવામાં આવેલ છે જેની દરેક ટીમમાં એક ફોરેસ્ટર, બે બીટ ગાર્ડ, અને એક ટ્રેકર તૈનાત કરવામાં આવ્યા છે.
આ ટીમો રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની દેખરેખ હેઠળ કામ કરશે. વનવિભાગનાં ક્ષેત્રિય અધિકારીઓ અને કર્મચારીઓનું કુલ ૨૭૦ માનવબળ સિંહોનું સઘન મોનીટરીંગ માટે અને ચકાસણી માટે કાર્યરત કરવામાં આવેલ છે. સિંહોનાં સ્ક્રીનીંગ દરમ્યાન જો કોઇ બિમાર સિંહ દેખાશે તો તેવા સિંહને રેસ્ક્યુ કરી તાત્કલીક ઉપચાર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
ગીરરક્ષીત વિસ્તાર નજીક માલઢોરનાં રસીકરણ માટે પશુપાલન વિભાગનાં પરામર્શમાં અને સંકલનમાં રહી રસીકરણની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ભારત સરકારની ટીમે પણ અકુદરતી કારણોસર સિંહોનાં મૃત્યુ થયેલ હોવાની બાબતમાં તથ્ય નથી તેવો પ્રાથમિક અભિપ્રાય આપેલ છે.
