Ahmedabad News : ગુજરાતમાં ફક્ત કાગળ પર જ દારૂ બંધી જોવા મળી રહી છે. રાજ્યમાં નહી. માંગો ત્યાં દારૂની હોમ ડિલીવરી મળી જાય છે. અનેક વખત દારૂ પીને છાકટા બનેલા લોકો કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા પણ ઉડાવે છે. જેમાં ભાજપના એક નેતા જ દારૂ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. બીજીતરફ ગુજરાતનાં ઠેર ઠેર માર્ગો પર દારૂ પીને વાહન ચલાવશો નહી તેવા બોર્ડ પણ મારેલા હોય છે. તેવામાં જે રાજ્યમાં દારૂબંધી છે ત્યાં આવા બોર્ડ કેમ મારવા પડે તે પણ એક સવાલ થાય છે. જો કે નિયમ કાયદા તમામ માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ છે. જો કે આ બધું સામાન્ય પ્રજા દ્વારા કરવામાં આવે તો પોલીસ ઉછળી ઉછળીને કાર્યવાહી કરતી હોય છે.
આ વખતે તો ખુદ ભાજપના નેતા દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. હવે ગુજરાત પોલીસની કડક કાર્યવાહીનો નજારો જોવા મળશે. જેના અંતર્ગત કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે. જોકે, હાલ તો પોલીસે મામલો ચગતા કોર્પોરેટરની ઔપચારિક ધરપકડ કરી લીધી છે.બાવળા પોલીસ દ્વારા એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યાં બાવળાના ભાજપ નેતા દીપક ભટ્ટ દારૂ અને જુગારની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. થોડા સમય માટે તો પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી.
ભાજપ નેતા છે તેવું જાણ્યા બાદ પોલીસના હાથ બંધાઇ તો ગયા હતા પરંતુ હોહા થઇ જતા આખરે ઔપચારિક રીતે પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. નગરપાલિકાના સભ્ય સહિતની 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાવળા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.ઘટના અંગે મળતી માહિતી અનુસાર પોલીસને પરસોત્તમ રાઇસ મિલ ખાતે જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જો કે પોલીસને કદાચ ખ્યાલ નહી હોય કે ત્યાં ભાજપનાં નેતા પણ ત્યાં જુગટુના દાવ રમી રહ્યા છે નહીતો તે દરોડા જ ન પાડત.
જો કે દરોડા પડી ગયા અને હોહા થઇ જતા આખરે પોલીસે નિષ્પક્ષ કાર્યવાહીનો અંચળો ઓઢ્યો અને નેતા સહિત 7 લોકોની ધરપકડ કરી લીધી હતી. આ દરોડા દરમિયાન પોલીસને 13 લાખથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો જે જપ્ત કર્યો છે. ધરપકડ દરમિયાન નેતાથી માંડીને તમામ લોકો લથડીયા ખાઇ રહ્યા હતા. જો કે હજી સુધી આ અંગે ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો:મહેસાણામાં સરકારી વકીલ ભરત પટેલ સાથે 12.10 લાખની છેતરપિંડી
આ પણ વાંચો:સાબરકાંઠાના ઈડરના માઢવા ગામે કાળા જાદુના નામે છેતરપિંડી

