Rajkot News: રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડાની સરકારી શાળામાં 19 ઓક્ટોબરના રોજ ધો-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફક્ત એટલું જ નહિ વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં રડતાં રડતાં પોતે લખેલી સુસાઈડ નોટ પણ આ વીડિયોમાં દેખાડી રહ્યો હતો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
જોકે, આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ શાખા ખાતે તપાસ માટે પહોંચી હતી અને સરપંચ સહિતના ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની સાથે 10 વર્ષની સજાની માગ કરવામાં આવી છે. જ્યારે તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રથામિક દૃષ્ટિએ થયેલી તપાસમાં કોઇ કારણ સામે આવ્યું નથી.
આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવિલ વરૂના કાકા રમેશભાઈ વરૂએ જણાવ્યું હતું કે, મારા ભત્રીજો સ્કૂલેથી ઘરે આવવા માટે બસમાં બેઠો ત્યારે તેને તેના મિત્રોને વાત કરી હતી કે મને મજા નથી આવતી. મારો ભત્રીજો સ્કૂલનો મોનિટર હતો અને ભણવામાં ખૂબ હોશિયાર હતો. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ આવ્યા હતા .
એકના એક સંતાને આપઘાત કરી લીધો
મૃતકના કાકાએ આગળ કહ્યું કે, ધ્રુવિલ 12:30 વાગ્યે મોટાવડા સ્કૂલેથી છાપરા ગામે ઘરે આવ્યો અને ઘરે કોઈ હતું નહીં. જેથી તેણે સુસાઇડ નોટ લખી અને પછી વીડિયો ઉતાર્યો અને પછી તુરંત જ આપઘાત કરી લીધો. પિતાનો એકના એક સંતાને આપઘાત કરી લીધો જેથી અમને ન્યાય મળવો જોઇએ. અન્ય કોઇ વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના ન બને તેવી અમારી માગ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે 11:30 વાગ્યે શાળાએથી છૂટી ગયા બાદ વિદ્યાર્થીને ફરી શાળામાં બોલાવવામાં આવ્યો અને શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવ્યો કે તને સજા પડશે અને પોલીસવાળા ઉપાડી જશે. જેથી ધ્રુવિલ ગભરાઈ ગયો. 2 શિક્ષિકા અને 1 શિક્ષક દ્વારા ધમકી આપવામાં આવી હતી. પુત્રના આપઘાતથી ગઈકાલથી પૂરો પરિવાર સૂતો નથી. ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવા જોઇએ અને 10 વર્ષની સજા થવી જોઇએ. ફરી નોકરી ન મળવી જોઇએ તેવી અમારી માંગણી છે. હું ખેતીકામ કરું છું અને ધ્રુવિલના માતા-પિતા અભણ છે અને ઢોર ચરાવવાનું કામ કરે છે.
તપાસ અધિકારી અલ્પાબેન જોટાંગિયાએ જમાવ્યું હતું કે, હાલ સરપંચ સહિતના તમામના નિવેદન લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ થયેલી તપાસમાં વિદ્યાર્થીના આપઘાતનું કોઇ કારણ સામે આવ્યું નથી. અહીં ચાર શિક્ષકો અભ્યાસ કરાવતા હતા અને 172 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો કે હાલ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતનાનું નિવેદન લેવામાં આવ્યા છે. આ દરમિયાન લોધીકા પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમના દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો: રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા
આ પણ વાંચો: રાજકોટના જસદણમાં મંદિરના મહંતની આત્મહત્યા
