Gujarat News: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા આજે LRD (Lokrakshak Dal)ની પરીક્ષા યોજાવાની છે. જેમાં 12 હજાર જગ્યા માટે 2.48 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા (Written Exam) આપશે. ગુજરાતનાં 7 જીલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, ભાવનાગર, ગાંધીનગરમાં 825 કેન્દ્રમાં ઉમેદવારો કોન્સ્ટેબલની પરીક્ષા (Constable Exam) આપશે. મહત્વનું છે કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સ્થાનિક ઉમેદવારોને અન્ય જીલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેમકે, અમદાવાદના ઉમેદવારને ભાવનગરમાં કેન્દ્ર ફાળવવું. ગુજરાત ST વિભાગ દ્વારા કેન્દ્રથી નજીકનાં ડેપો સુધી વધારાની બસો દોડાવવામાં આવશે. અંદાજે 500 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવાશે. જેના માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા કરાઈ છે.
સવારે 9:30 થી 12:30 કલાકે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ સવારે 7:30 વાગ્યે કેન્દ્ર પર પહોંચી જવું પડશે. 8.30 વાગ્યે પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. CCTV મોનિટરિંગ હેઠળ ચાંપતી નજર રાખવામાં આવશે. ઉમેદવારોએ પોતાનો કોલલેટર લઈ બાયોમેટ્રિક કરાવવા વહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.
સરકારના ગૃહવિભાગના તા.07/02/2024ના જાહેરનામાં ક્રમાંક: GHG/21/2024/MHK/1010/ 1393/C પરીક્ષા પદ્ધતિ અનુસાર OMR પરીક્ષા હશે અને જેમાં 200 પ્રશ્નો, 200 ગુણ, સમય 3 કલાકનો રહેશે. જેમાં Part-A માં 80 પ્રશ્નો, 80 ગુણ અને Part-B માં 120 પ્રશ્નો, 120 ગુણ હશે. પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવાના રહેશે. તમામ શહેર, જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓના સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP / SP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.
પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકી-ટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, કેમેરા, વાયરલેસ સાહિત્ય વગેરે લઈ જવાની કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરે ચાર કે તેથી વધુ લોકોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરના અંતરે ઝેરોક્ષ, ફોટોકોપી, પ્રિન્ટિંગની દુકાનો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે ઉપરોક્ત સમય દરમિયાન ખોદકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા સમયે અનધિકૃત વ્યક્તિઓને પરીક્ષા સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો:લોકરક્ષકદળની ભરતી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં કરો એક ક્લિક
