Chennai News : મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court)ની મદુરાઈ બેન્ચે બાળકોના ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court)જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયન કાયદાની જેમ બાળકોના ઈન્ટરનેટ ઉપયોગને નિયંત્રિત કરવા માટે ખાસ કાયદો ઘડવાનો ગંભીર વિચાર કરવો જોઈએ. હાઈકોર્ટના મતે, ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષા માટે કાયદાકીય માળખું અનિવાર્ય બની રહ્યું છે.
બેન્ચે વધુમાં કહ્યું કે જ્યાં સુધી આવો કાયદો અમલમાં ન આવે ત્યાં સુધી રાજ્ય અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગોએ બાળકોને સુરક્ષિત ઈન્ટરનેટ ઉપયોગ વિશે શિક્ષિત કરવા માટે વ્યાપક કાર્ય યોજના તૈયાર કરવી જોઈએ. આ યોજનામાં પેરેન્ટ્સ, શાળાઓ અને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓની ભૂમિકા પણ સ્પષ્ટ કરવી જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું.
Madras High Court : હિંસક અને પોર્નોગ્રાફિક સામગ્રી બાળકોની માનસિકતા અને વિચારસરણી પર ગંભીર નકારાત્મક અસર કરી શકે છે
મદુરાઈ બેન્ચે પ્રસ્તાવિત કાયદાના ઉદ્દેશ્ય પર પણ પ્રકાશ પાડ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court) જણાવ્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાથી રોકવાનો હેતુ તેમને હાનિકારક ઓનલાઈન સામગ્રીથી બચાવવાનો છે. સોશિયલ મીડિયા પર અયોગ્ય, હિંસક અને પોર્નોગ્રાફિક સામગ્રી બાળકોની માનસિકતા અને વિચારસરણી પર ગંભીર નકારાત્મક અસર કરી શકે છે, તેવી ચિંતા કોર્ટે વ્યક્ત કરી.
ન્યાયાધીશ જી. જયચંદ્રન અને કે. કે. રામકૃષ્ણનની બેન્ચે આ ટિપ્પણી અરજદાર એસ. વિજયકુમાર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. અરજીમાં ઓસ્ટ્રેલિયામાં અમલમાં આવેલા નવા કાયદાનો ઉલ્લેખ કરીને ભારત સરકારને સમાન કાયદો ઘડવાની વિનંતી કરવામાં આવી હતી. અરજદારનું કહેવું હતું કે ભારતમાં પણ બાળકો સોશિયલ મીડિયા દ્વારા વધતા જોખમોનો સામનો કરી રહ્યા છે.
અરજદાર એસ. વિજયકુમારે પીઆઈએલ દાખલ કરીને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને પેરેન્ટલ કંટ્રોલ અથવા પેરેન્ટલ વિન્ડો જેવી સેવાઓ ફરજિયાત રીતે પૂરી પાડવા માટે નિર્દેશ આપવા માંગ કરી હતી. સાથે જ, સરકારને બાળકો અને વાલીઓમાં ઈન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાની જવાબદારી સોંપવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે પોર્નોગ્રાફિક અને અયોગ્ય સામગ્રી આજે ઇન્ટરનેટ પર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ બની ગઈ છે, જે બાળકો માટે ગંભીર ખતરો છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા 10 ડિસેમ્બર, 2025ના રોજ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ કાયદા અંતર્ગત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટિકટોક અને એક્સ (પૂર્વે ટ્વિટર) જેવા પ્લેટફોર્મ પર સગીરોના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, સપ્ટેમ્બર 2025માં યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને પણ સંકેત આપ્યો હતો કે યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. તેમના મતે, આવા પ્લેટફોર્મ બાળકોને વિવિધ ડિજિટલ જોખમોમાં મૂકી શકે છે.
મદ્રાસ હાઈકોર્ટ(Madras High Court) ની આ ટિપ્પણી ભારત માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહી છે, જ્યાં ડિજિટલ એક્સેસ ઝડપથી વધી રહી છે અને બાળકોની ઓનલાઈન સુરક્ષા એક મોટો પડકાર બની ગઈ છે.
