જૂની હિન્દી ફિલ્મનો સંવાદ ‘ચુટકી ભર સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ’? જાણીતો છે…. આ સંવાદને હવે ગુજરાતમાં ફલેટ ભરીને સોનું પકડાયું તે સંદર્ભમાં જોઈએ તો કહી શકાય કે ‘ફ્લેટ ભર સોને કી કિંમત તુમ ક્યાં જાનો મહેન્દ્ર બાબુ’? કેમ કે તમારી પાસે તો સોનાથી ભરેલા આવા કેટલાય ફ્લેટ છે……
જાણકારોનું કહેવું છે કે મહેન્દ્ર શાહ (Mahendra shah) પાસે હાલમાં પકડાયું છે તેટલું સોનું તો હજી શરૂઆત છે….તેની પાસે આવા સોનાથી અને રોકડથી ભરેલા કેટલાય ફ્લેટ છે, જેની ચાવી હજી સુધી ગુજરાત ATS અને DRIને મળી નથી…. તેની પાસેથી 400 કરોડથી પણ વધારે રૂપિયાનું સોનું અને કરોડો રૂપિયાની કિંમતનું વિદેશી ચલણ હોવાનું કહેવાય છે…. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી તેનો એક જ ફ્લેટ કેમ પકડાયો છે…. તેની પાસે આવા કેટલાય ફ્લેટ છે. તેના પોતાના નામના કેટલાય મકાનો છે…. દુબઈમાં પણ તેનું રોકાણ છે….
જો કે એક ફ્લેટ પર દરોડા પડતા તેણે તેના અનેક ફ્લેટમાંથી સોનું સલામત જગ્યાએ મોકલી દીધું હોવાનું કહેવાય છે… કેટલાય લોકો મજાકમાં કહે છે કે મહેન્દ્ર શાહ સોનુ રાખવાને લઈને રિઝર્વ બેન્ક સાથે હરીફાઈ કરી રહ્યો લાગે છે… તે રિઝર્વ બેન્ક કરતાં પણ વધારે સોનું રાખવાનો ઇરાદો ધરાવે છે….
શેરબજારના આ જાણીતા ઓપરેટર મહેન્દ્ર શાહ પાસે બ્લેકના વ્હાઇટ કરી (Black white) આપવાની જાદુઈ કળા હતી…. તે દસથી પંદર ટકા લઈને બ્લેકના વ્હાઇટ કરી આપતો હતો…. આના કારણે તેને ત્યાં રાજકારણીઓ, બિલ્ડરો, લાંચિયા અધિકારીઓ, ભૂમાફિયાઓ, કૌભાંડીઓ, ઉદ્યોગપતિઓની લાઇન લાગતી હતી….
આ માટે તેણે મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવી હોવાનું કહેવાય છે…. આ માટે તે ખોખા કંપનીઓ જે શેરબજારમાં નિષ્ક્રીય થઈ ગઈ હોય તેને ખરીદી લેતો હતો….. પછી તેના અંગે જાતજાતના સમાચારો ફેલાવતો હતો, તેને ઓર્ડર મળવાનો છે, તેની મોટી કંપનીઓ સાથે ડીલ કરવા વાટાઘાટો ચાલી રહી છે. આ માટે તે પોતાના જ મીડિયા હાઉસ (સોશિયલ મીડિયા)નો ઉપયોગ કરતો હતો. આ માટે તેણે ગુજરાતના જ બે જાણીતા બ્રોકિંગ હાઉસોને પણ હાથવગા રાખ્યા હતા. આ બ્રોકિંગ હાઉસો પણ તેની આ ખોખા કંપનીઓના શેર અંગેની માહિતી પ્રકાશિત કરતા હતા, તેનો રોકાણકારોમાં ફેલાવો કરતા હતા અને તેને સમર્થન આપતા હતા.
તેના પછી આ શેરોમાં તે કૃત્રિમ તેજી લાવતો હતો અને તેની પાછળ તેની વાતને માનનારી અને ટિપ્સને ફોલો કરનારાઓનો આખો વર્ગ લાગી જતો હતો. આ રીતે શેરના ભાવ તે ઉચકતો હતો. આવી જ એક કંપની ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં મહેન્દ્ર શાહ અકલ્પનીય તેજી લાવ્યો હતો. તેના શેરનો ભાવ હજાર રૂપિયા સુધી લઈ ગયો હતો.
એકલા ભારત ગ્લોબલ ડેવલપર્સમાં (Global Developers) જ ટ્રેડિંગ (Trading) કરીને તેણે દસ હજાર કરોડ રૂપિયાના બ્લેક મની રકમ વ્હાઇટ કરી આપી હોવાનું કહેવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે સેબીએ (Sebi) જ્યારે આ શેરમાં આવેલી કૃત્રિમ તેજીની તપાસ કરી ત્યારે તેમા મહેન્દ્ર શાહનું ક્યાંય નામ સુદ્ધા આવ્યું ન હતું, આમ મહેન્દ્ર શાહે તેટલી સફાઈથી કામ કર્યુ હતું. આમ છતાં તેમા મહેન્દ્ર શાહ પોતે તો કરોડો રૂપિયા કમાયો હતો, પરંતુ તેમા બીજા કેટલાયના બ્લેકના વ્હાઇટ તેણે કરી આપ્યા હતા. આ કૃત્રિમ તેજી થકી મહેન્દ્ર શાહ આણી મંડળીએ 270 કરોડથી પણ વધુ રકમ ઘરભેગી કરી હોવાનું મનાય છે. જો કે છેલ્લે તેમા રોવાનો વારો તો નાના રોકાણકારોને જ આવ્યો હતો.
પછી મહેન્દ્ર શાહે આને જ મોડસ ઓપરેન્ડી બનાવી દીધી હતી. તે બંધ કંપનીઓને ખરીદતા હતા. સેબીમાં સંપર્કોના જોરે આ કંપનીને શેરબજારમાં ચાલુ કરાવતા હતા. તેના પછી આ જ કંપનીના રાઇટ્સ ઇશ્યૂ અને પ્રેફરન્સિયલ ઇશ્યુની મંજૂરી મેળવતા હતા. તેના પછી અમદાવાદના બે જાણીતા શેરદલાલોની મદદ લઈને મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું. મહેન્દ્ર શાહ પોતાની સોશિયલ મીડિયા ચેનલોનો ઉપયોગ કરીને આ શેરોમાં કૃત્રિમ તેજી લાવીને તેનો ગાળિયો નાના રોકાણકારોના ગળામાં ભેરવી દેતા હતા.
રાઇટ્સ ઇશ્યૂ (Rights Issue) અને પ્રેફરન્સિયલ શેરોના (Preferential Issue) ઇશ્યૂનો ઉપયોગ બ્લેકના વ્હાઇટ કરવા માટે થતો હતો. આ રાઇટ્સ ઇશ્યૂ અને પ્રેફરન્સની મંજૂરી પછી તેમા ફોરીન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ અને ફોરિન કન્વર્ટિબલ બોન્ડ્સમાં શેરો ભરાવતા હતા. તેના પછી બીએસઇ અને એનએસીમાં જુદાં-જુદાં રોકાણ દર્શાવીને તેના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા.
સેબી દ્વારા અમદાવાદના બે બ્રોકરેજ હાઉસ સાથે મહેન્દ્ર શાહની તલસ્પર્શી સાંઠગાંઠની તપાસ કરવામાં આવે તો હાલમાં બતાવાયું છે તેના કરતાં પણ અનેક ગણું મોટું કૌભાંડ પ્રકાશમાં આવી શકે તેમ છે. કદાચ કૌભાંડોની આખી સીરીઝનો પર્દાફાશ થઈ શકે તેમ છે. સેબીએ અગાઉ મહેન્દ્ર શાહને ફક્ત ડીબાર કરીને જ સંતોષ માન્યો હતો, આ સંજોગોમાં તે બીજા ડીમેટ ખાતાધારકો દ્વારા તેની કામગીરી કરતો હતો. જો કે સેબીએ પછી તેના પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
આશ્ચર્યની વાત તો એ છે કે મહેન્દ્ર શાહે ભાડે રાખેલા જે ફ્લેટ પર દરોડા પડ્યા તેનો ભાડાં કરાર પણ તેણે કરાવ્યો નથી. જ્યારે ફ્લેટ ભાડે રાખવાનો સામાન્ય નિયમ છે કે ભાડાં કરાર કરાવવો જોઈએ. પોલીસે કમસેકમ ભાડાંકરાર ન કરવાનો કેસ પણ તેની સામે નોંધ્યો નથી. આટલી તો આ ભાઈની દાદાગીરી છે.
તેના ફ્લેટ પર દરોડા પાડ્યા પછી આ કેસમાં જાણે આગળ કંઇ જ ન હોય તેમ ગુજરાત ATS અને DRI બંનેએ મોઢા સીવી લીધા છે. હાલમાં તો મહેન્દ્ર શાહ આણિ મંડળી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે અને તેમના સંપર્કોની મદદથી તેમની સામેની કાર્યવાહીને રફેદફે કરવા લાગી ગઈ છે. આ સ્વાભાવિક પણ છે, છેવટે મહેન્દ્ર શાહના ગુરુ તો કેતન પારેખ જ છે. જો માધુપુરા બેન્કને ઉઠાડ્યા પછી તેમને કશું થતું ન હોય તો આ કિસ્સામાં તો મહેન્દ્ર શાહને વાળ પણ વાંકો થાય તેવી કોઈ સંભાવના લાગતી નથી, કહેવત છે ‘સમરથ કો ન દોષ ગુંસાઈ’ તે મહેન્દ્ર શાહના કિસ્સામાં બરોબરની લાગુ પડે છે.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’