Business News : તહેવારોની સિઝન વચ્ચે લોનધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોનેટરી પોલિસી કમિટી (RBI MPC)ની બેઠક બાદ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે. આ નિર્ણયની સીધી અસર બેન્કોના લોનના વ્યાજદર પર પડી શકે છે, જેના કારણે Home Loan EMI સહિત કાર અને પર્સનલ લોનના હપ્તામાં વધારો થવાની શક્યતા છે.
RBIએ વધાર્યો રેપો રેટ
રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થતાં બેન્કો માટે RBI પાસેથી નાણાં મેળવવાનો ખર્ચ વધી શકે છે. તેની અસર રેપો રેટ સાથે જોડાયેલી લોન પર જોવા મળી શકે છે. ખાસ કરીને ફ્લોટિંગ રેટ પર Home Loan ધરાવતા ગ્રાહકોના માસિક હપ્તા વધી શકે છે. અગાઉની કેટલીક MPC બેઠકોમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો.
લોનધારકો પર વધશે બોજ
જો હોમ લોનનો વ્યાજદર 7.50 ટકાથી વધીને 7.75 ટકા થાય અને લોનની મુદત 20 વર્ષ હોય, તો EMIમાં વધારો થશે. ₹20 લાખની લોન પર જૂની EMI ₹16,112ની સામે નવી EMI ₹16,419 થઈ શકે છે. એટલે દર મહિને ₹307નો વધારો થશે.
₹30 લાખની લોન માટે EMI ₹24,168થી વધીને ₹24,628 થઈ શકે છે. એટલે માસિક હપ્તામાં ₹460નો વધારો થશે. જ્યારે ₹50 લાખની લોન પર EMI ₹40,280થી વધીને ₹41,047 થઈ શકે છે. એટલે દર મહિને ₹767નો વધારાનો બોજ પડશે.
નિષ્ણાતોએ શું કહ્યું?
Basic Home Loanના સહ-સંસ્થાપક અને CEO અતુલ મોંગાના મતે 25 બેસિસ પોઈન્ટના વધારાથી Home Loan EMIમાં વધારો થશે, પરંતુ હાઉસિંગ સેક્ટરની લાંબા ગાળાની માંગ પર મોટી અસર થવાની શક્યતા ઓછી છે. તેમણે લોનધારકોને મુદત વધારવાને બદલે EMI વધારવા અથવા વધારાની EMIનું પ્રી-પેમેન્ટ કરવાની સલાહ આપી છે.
NAREDCOના અધ્યક્ષ પ્રવીણ જૈનના મતે ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે આ વધારો જરૂરી હતો. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે MSME અને નાના ઉધારકર્તાઓ માટે વધેલા વ્યાજદરથી નાણાકીય બોજ વધી શકે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે તહેવારો દરમિયાન રહેણાંક મિલકતોની માંગ મજબૂત રહેવાની શક્યતા છે.
