Iran News : ઈરાનમાં ચાલી રહેલા હિંસક સરકારવિરોધી પ્રદર્શનોને પગલે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે બુધવારે ઈરાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકો માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, વેપારીઓ તથા પ્રવાસીઓને શક્ય તેટલી વહેલી તકે ઈરાન (Iran) છોડવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ સલાહ 5 જાન્યુઆરીએ જાહેર કરાયેલી એડવાઈઝરીનું વિસ્તૃત સ્વરૂપ છે અને બદલાતી પરિસ્થિતિઓને કારણે આપવામાં આવી છે.
સરકારે ભારતીયોને ભીડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનોમાંથી દૂર રહેવા તથા સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
પ્રદર્શનકારીને જાહેરમાં ફાંસી અપાવાની તૈયારી

પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 26 વર્ષીય ઇરફાન સુલતાનીને આજે જાહેરમાં ફાંસી આપવામાં આવી શકે છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, તેમની ધરપકડ 8 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને 11 જાન્યુઆરીએ તેમને “મોહરેબેહ” (ભગવાન વિરુદ્ધ યુદ્ધ)ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ ઇરફાનને ન તો યોગ્ય ટ્રાયલ મળ્યો અને ન જ કાનૂની વકીલ. પરિવારને ફક્ત 10 મિનિટની છેલ્લી મુલાકાતની મંજૂરી આપવામાં આવી છે.
તેહરાનમાં 300 મૃતદેહોના સામૂહિક અંતિમ સંસ્કાર
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, બુધવારે તેહરાન યુનિવર્સિટીમાં પ્રદર્શનો દરમિયાન માર્યા ગયેલા નાગરિકો અને સુરક્ષાકર્મીઓના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એક જ દિવસે આશરે 300 મૃતદેહોને દફનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
મૃત્યુઆંક પર વિરોધાભાસી દાવાઓ
હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી મુજબ ઈરાનના તમામ 31 પ્રાંતોમાં 600થી વધુ પ્રદર્શનો થયા છે અને અત્યાર સુધી 2400થી વધુ લોકોના મોત થયા છે.
બીજી તરફ, બ્રિટિશ વેબસાઇટ ઈરાન ઇન્ટરનેશનલનો દાવો છે કે છેલ્લા 17 દિવસમાં 12,000થી વધુ પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી છે, જેને આધુનિક ઈરાનનો સૌથી મોટો હત્યાકાંડ ગણાવવામાં આવી રહ્યો છે.
રોયટર્સે ઈરાની અધિકારીઓને ટાંકીને મૃત્યુઆંક આશરે 2000 દર્શાવ્યો છે.
ટ્રમ્પની ચેતવણી અને ઉશ્કેરણીભર્યા નિવેદનો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન (Iran)માં પ્રદર્શનકારીઓને ફાંસી આપવામાં આવશે તો અમેરિકા કડક કાર્યવાહી કરશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનના લોકોને સરકારી ઇમારતો પર કબજો કરવાની સલાહ પણ આપી છે અને કહ્યું છે કે “મદદ રસ્તામાં છે”.
ઈરાન પર વધુ આર્થિક દબાણ
ટ્રમ્પે ઈરાન (iRAN)સાથે વેપાર કરનાર દેશો પર 25% વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ચીન, યુએઈ અને ભારત જેવા દેશોના અમેરિકા સાથેના વેપાર પર અસર પડી શકે છે.
આ વચ્ચે ઈરાનની કરન્સી રિયાલ લગભગ મૂલ્યહીન બની ગઈ છે.
કાશ્મીરી વિદ્યાર્થીઓના પરિવારોમાં ચિંતા
ઈરાન (iRAN)માં અભ્યાસ કરતા આશરે 2,000 કાશ્મીરી વિદ્યાર્થીઓના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. ઘણા વિદ્યાર્થીઓ સાથે છેલ્લા કેટલાક દિવસોથી સંપર્ક તૂટ્યો હોવાનું પરિવારોએ જણાવ્યું છે.
જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન મુજબ 1,500થી વધુ કાશ્મીરીઓ ઈરાનમાં રોજગારના હેતુથી પણ હાજર છે.
