Iran Protest News: ઈરાન હાલમાં તેના ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. જે આંદોલન બજારમાં વધતા ભાવ અને મોંઘવારી વિરુદ્ધ શરૂ થયું હતું, તે હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે અને ઈસ્લામિક શાસનને ઉથલાવી દેવાની માંગ કરી રહ્યું છે. રસ્તાઓ પર ઉતરેલા હજારો લોકો હવે સીધા સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીને પડકાર ફેંકી રહ્યા છે.
આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ?
આ વિરોધ પ્રદર્શનોની શરૂઆત ૨૮ ડિસેમ્બરે તેહરાનના બજારોમાંથી થઈ હતી. તેનું મુખ્ય કારણ ઈરાની ચલણ ‘રિયાલ’નું રેકોર્ડ સ્તરે ધોવાણ અને આસમાને પહોંચેલી મોંઘવારી હતી. ખાધ્ય તેલ અને ચિકન જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવ રાતોરાત વધી જતાં વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ શરૂ કર્યો હતો. જોકે, સરકારના સસ્તા ડોલર સિસ્ટમને નાબૂદ કરવાના નિર્ણયે આ વિરોધમાં ઘી હોમવાનું કામ કર્યું.
કેમ આ વખતે પરિસ્થિતિ અલગ છે?
ઐતિહાસિક રીતે, Iranનો બજાર સમુદાય (વેપારીઓ) હંમેશા ધાર્મિક નેતૃત્વનો સમર્થક રહ્યો છે. ૧૯૭૯ની ક્રાંતિમાં પણ આ જ વેપારીઓએ મૌલવીઓને ટેકો આપી શાહનું શાસન ઉથલાવ્યું હતું. પરંતુ આ વખતે આ જ સમુદાય સરકારની આર્થિક નીતિઓથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યો છે. વિરોધીઓના નારા હવે આર્થિક માંગણીઓ છોડીને “સરમુખત્યાર મુખે છે” અને “ખામેની મુખે છે” સુધી પહોંચી ગયા છે.
કેટલું નુકસાન થયું?
માનવાધિકાર સંગઠનોના મતે આ આંદોલન હવે હિંસક બની ગયું છે. 31 પ્રાંતો અને 100 થી વધુ શહેરોમાં વિરોધ ફેલાયો છે. અત્યાર સુધીમાં ૬૨ થી વધુ લોકોના મોત થયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે અને સરકારે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
વૈશ્વિક પ્રતિક્રિયા: ટ્રમ્પ વિરુદ્ધ ખામેની
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Iranને કડક ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવશે તો અમેરિકા શાંત નહીં બેસે. બીજી તરફ, સુપ્રીમ લીડર અલી ખામેનીએ આ આંદોલનને વિદેશી ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે ટ્રમ્પના નિવેદનોને ફગાવતા આરોપ લગાવ્યો કે તોફાનીઓ અમેરિકાને ખુશ કરવા માટે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.
Iranમાં વાસ્તવિક સત્તા કોની પાસે?
ભલે ૨૦૨૪માં મસૂદ પેઝેશ્કિયાન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હોય, પરંતુ ઈરાનમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા માત્ર સુપ્રીમ લીડર ખામેની પાસે જ છે. પેઝેશ્કિયાને પોતે સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર અને યુએસ પ્રતિબંધોને કારણે અર્થતંત્ર પડી ભાંગ્યું છે. દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે શાસનનું રક્ષણ કરવું તેમની ‘લાલ રેખા’ છે અને તેઓ કોઈપણ હદ સુધી જશે.
