Gir Somnath News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ (Somnath Swabhiman Parva) ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ (Somnath Swabhiman Parva) ના પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો તેમજ દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની કાળજી લેવા પણ સૂચન કર્યું હતું.

ગૃહ મંત્રીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ (Somnath Swabhiman Parva) દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને જરૂરી સુચના આપી

ગૃહ મંત્રીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ (Somnath Swabhiman Parva) દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે ભીડ નિયંત્રણ, ઇમરજન્સી સેવાઓની સજ્જતા અને ટેકનોલોજીના ઉપયોગ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ સફળ રીતે સંપન્ન થાય તે માટે તેમણે વહીવટી તંત્રને આહ્વાન કર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ડો.પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
