Iran News: ઈરાન (Iran) માં છેલ્લા બે અઠવાડિયાથી ફુગાવા (Inflation) સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બની ગયા છે. આ હિંસક ઘટનાઓમાં અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે, જ્યારે 10,670થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને સરકારની કડક ચેતવણીઓ છતાં પણ પ્રદર્શનકારો પાછળ હટવા તૈયાર નથી.
રાજધાની તેહરાન સહિત 100 થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો, ગોળીબાર, તોડફોડ અને આગચંપીમાં સેંકડો લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 538 લોકો માર્યા ગયા છે, જેમાં 48 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને 10,670 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પરંતુ ઈરાન (Iran) ની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી તસ્નીમે 109 સુરક્ષા કર્મચારીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. ફક્ત ઇસ્ફહાન ક્ષેત્રમાં 30 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તસ્નીમે માર્યા ગયેલા પ્રદર્શનકારીઓની સંખ્યા જાહેર કરી નથી.
અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર
સરકાર તરફથી આ અશાંતિ માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે અને પ્રદર્શનકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે, ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ દેશમાં પાછા ફરવાની તૈયારી દર્શાવી છે અને ધર્મનિરપેક્ષ તથા લોકશાહી વ્યવસ્થાની માંગ સાથે જનતાને અપીલ કરી છે.
ઈરાન (Iran) ની સ્થિતિ પર અમેરિકાની નજર
અમેરિકા ઈરાન (Iran) માં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ઈરાની લોકોને મદદ કરવા તૈયાર છે.
જોકે, ઈરાની (Iran) સરકારે ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો તે નજીકના અમેરિકી લશ્કરી થાણાઓ અને ઈઝરાયલ સામે બદલો લેશે. ઈરાની (Iran) સરકારના આ નિવેદન બાદ, ઈઝરાયલી સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અને યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને વિરોધ કરી રહેલા ઈરાની લોકો માટે સમર્થન વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો: ઈરાનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કેમ ફાટી નીકળ્યા?
આ પણ વાંચો: ઈરાનમાં જનઆક્રોશ: બજારમાંથી શરૂ થયેલી ચિંગારીએ ઈસ્લામિક શાસન હલાવી દીધું!
આ પણ વાંચો: ઈરાનમાં ફુગાવા સામે હિંસક વિરોધ, 100થી વધુ શહેરોમાં આગચંપી; ઈન્ટરનેટ-ફોન સેવાઓ બંધ
