Education News : ટેકનિકલ શિક્ષણમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. AICTE (AICTE) દ્વારા એન્જિનિયરિંગ, MBA, MCA સહિત વિવિધ ટેકનિકલ કોર્સ (Technical Education)માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે 14 સપ્ટેમ્બર સુધીનો સમય મળશે.
અગાઉ AICTEના એકેડેમિક કેલેન્ડર મુજબ ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ઈજનેરી, PG ઈજનેરી (M.E.), MBA અને MCA સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ હતી. જોકે, કેટલાક રાજ્યોની કોલેજ એસોસિએશનો દ્વારા પ્રવેશની મુદત વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
AICTEની નવી ડેડલાઈનથી વિદ્યાર્થીઓને રાહત
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ AICTEએ પોતાના એકેડેમિક કેલેન્ડરમાં સુધારો કર્યો છે. સુધારેલા સમયપત્રક પ્રમાણે ટેકનિકલ કોર્સ (Technical Education)માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ હવે 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અગાઉની સમયમર્યાદાની સરખામણીએ એક મહિનો વધારાનો સમય મળ્યો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર પ્રવેશ મેળવી શક્યા નથી તેમના માટે આ સમયગાળો મહત્વપૂર્ણ બની શકે છે.
ગુજરાતમાં વધુ એક પ્રવેશ રાઉન્ડની શક્યતા
ગુજરાતમાં ACPC અને ACPDC દ્વારા ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરી, M.E., MBA અને MCA માટેના વિવિધ પ્રવેશ (MBA Admission)રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા હતા. સરકારી બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા પણ 14 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી.
હવે AICTE દ્વારા પ્રવેશની અંતિમ તારીખ લંબાવવામાં આવતા ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો માટે વધુ એક રાઉન્ડ યોજાય તેવી શક્યતા છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી બેઠકો માટે વધારાનો રાઉન્ડ યોજાઈ શકે છે, જેમાં મોટાભાગે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયાનો વિકલ્પ રહેવાની શક્યતા છે.
આ નિર્ણયથી પ્રવેશથી વંચિત રહી ગયેલા ઉમેદવારોને ફરી એકવાર તક મળી શકે છે. જોકે, ગુજરાતમાં વધારાનો રાઉન્ડ યોજવા અંગે ACPC અને ACPDC તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
ફી રિફંડ અને એકેડેમિક સત્રની તારીખમાં પણ ફેરફાર
સુધારેલા નિયમો મુજબ કોલેજમાં લીધેલો પ્રવેશ રદ કરીને સંપૂર્ણ ફી રિફંડ મેળવવાની અંતિમ તારીખ અગાઉની 20 જુલાઈથી વધારીને 31 જુલાઈ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓગસ્ટથી શરૂ થનાર એકેડેમિક ટર્મ હવે 17 ઓગસ્ટથી શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
D2D લેટરલ એન્ટ્રી માટે પણ મોટી રાહત
ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ સીધા ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. D2D (D2D Admission) એટલે કે લેટરલ એન્ટ્રી માટે પ્રવેશની અંતિમ તારીખ પણ 14 ઓગસ્ટથી વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
આ નિર્ણયથી ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓને વધારાનો સમય મળશે. દેશભરમાં ટેકનિકલ શિક્ષણના હજારો વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય રાહતરૂપ બની શકે છે.
