National News : દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોબાઇલ એપની મદદથી ચાલતી ઇ-રિક્ષા (E-Rickshaw)ને રસ્તાની વચ્ચે જ બંધ કરી શકાય છે. આ વીડિયોએ ઇ-રિક્ષા ચાલકો અને મુસાફરોમાં ચિંતા વધારી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યા દરેક ઇ-રિક્ષા (E-Rickshaw)માં નથી, પરંતુ ખાસ પ્રકારની બ્લૂટૂથ આધારિત લિથિયમ-આયન બેટરીમાં જોવા મળી શકે છે.
BAT-BMS એપ શું છે?
BAT-BMS (Battery Management System) એક એવી એપ છે જે મૂળરૂપે બેટરીનું મોનિટરિંગ અને સર્વિસિંગ કરવા માટે બનાવવામાં આવી છે. આ એપ બ્લૂટૂથ દ્વારા બેટરી સાથે જોડાઈને સ્ટેટ ઓફ ચાર્જ (SOC), વોલ્ટેજ, કરંટ, તાપમાન અને બેટરીની હેલ્થ જેવી માહિતી બતાવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે બેટરી ઉત્પાદકો, એસેમ્બલી કંપનીઓ અને ટેકનિશિયન દ્વારા કરવામાં આવે છે.
સમસ્યા ક્યાંથી શરૂ થાય છે?
મુદ્દો એપમાં નહીં પરંતુ કેટલીક સસ્તી લિથિયમ-આયન બેટરીમાં રહેલી નબળી સુરક્ષા વ્યવસ્થામાં છે. ઘણી બેટરીમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી તો આપવામાં આવે છે, પરંતુ તેમાં પાસવર્ડ અથવા અન્ય સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં બ્લૂટૂથની મર્યાદિત રેન્જમાં રહેલો કોઈપણ વ્યક્તિ એપ દ્વારા બેટરી સાથે જોડાઈ શકે છે.
જો બેટરીમાં સુરક્ષા ન હોય તો એપ મારફતે ડિસ્ચાર્જ અથવા પાવર કંટ્રોલ વિકલ્પનો ઉપયોગ કરીને બેટરીનો પાવર બંધ થઈ શકે છે. પરિણામે ઇ-રિક્ષા (E-Rickshaw)અચાનક બંધ થઈ જાય છે અને ડ્રાઇવર ચાવીથી પણ તેને તરત શરૂ કરી શકતો નથી.
શું દરેક ઇ-રિક્ષા જોખમમાં છે?

ના. પરંપરાગત લીડ-એસિડ બેટરીથી ચાલતી ઇ-રિક્ષા (E-Rickshaw)ઓમાં બ્લૂટૂથ આધારિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ હોતી નથી, તેથી આવી સમસ્યાનો પ્રશ્ન ઊભો થતો નથી. જોખમ મુખ્યત્વે એવી લિથિયમ-આયન બેટરીમાં છે જેમાં બ્લૂટૂથ (Bluetooth) તો છે પરંતુ યોગ્ય સુરક્ષા સુવિધા ઉપલબ્ધ નથી.
અકસ્માતનું જોખમ કેમ વધી શકે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો ચાલતી ઇ-રિક્ષા (E-Rickshaw)નો પાવર અચાનક બંધ થઈ જાય તો પાછળથી આવતા વાહન સાથે અકસ્માત થવાની શક્યતા વધી શકે છે. વ્યસ્ત રસ્તા પર ડ્રાઇવર વાહન પરનો કાબૂ ગુમાવી શકે છે અને મુસાફરોને પણ ઇજા પહોંચી શકે છે. તેથી આવી મજાક કે ગેરવપરાશ માર્ગ સલામતી માટે ગંભીર સાબિત થઈ શકે છે.
ડ્રાઇવરો અને માલિકોએ શું કરવું?
- પાસવર્ડ સુરક્ષા ધરાવતી BMS બેટરીનો ઉપયોગ કરો.
- ઉત્પાદક પાસેથી સુરક્ષા અપડેટ અથવા ફર્મવેર અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ઇન્સ્ટોલ કરાવો.
- અજાણી એપ સાથે બેટરી કનેક્ટ ન કરો.
- પ્રમાણભૂત અને વિશ્વસનીય ઉત્પાદકની બેટરી ખરીદો.
- બેટરીમાં બ્લૂટૂથ સુરક્ષા સક્રિય છે કે નહીં તેની તપાસ કરાવો.
પોલીસનું શું કહેવું છે?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં આવી ઘટનાને લઈને કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. કેટલાક વાયરલ વીડિયો માત્ર સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અથવા એપનું પ્રચાર કરવા માટે બનાવવામાં આવ્યા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં, નિષ્ણાતો માને છે કે બ્લૂટૂથ (Bluetooth)સુરક્ષાની ખામીઓની તકનિકી તપાસ અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે.
