ટેનિસ જગતની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન (Wimbledon) 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પુરુષ સિંગલ્સની રોમાંચક સેમિફાઇનલમાં વિશ્વના નંબર વન ખેલાડી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન જેનિક સિનરે ઇતિહાસ રચતા 24 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચને પરાજય આપ્યો છે. સિનરે શાનદાર પ્રદર્શન કરતા આ હાઈ-વોલ્ટેજ મુકાબલો સીધા સેટોમાં 3-0 થી પોતાના નામે કરીને ફાઇનલમાં પ્રવેશી લીધો છે. હવે રવિવારે રમાનારા મહામુકાબલામાં સિનરનો સામનો જર્મનીના સ્ટાર ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે.
સિનર સામે જોકોવિચ લાચાર, સીધા સેટોમાં મેળવી જીત
મેચની શરૂઆતથી જ ઇટાલીના જેનિક સિનરે કોર્ટ પર દબદબો બનાવી રાખ્યો હતો અને 39 વર્ષીય અનુભવી ખેલાડી જોકોવિચને પુનરાગમન કરવાની કોઈ તક આપી ન હતી. સિનરે પોતાની આક્રમક રમત અને સચોટ સર્વિસના જોરે પ્રથમ સેટ 6-4 થી જીતી લીધો હતો. ત્યારબાદ બીજા સેટમાં પણ સ્કોરલાઇન 6-4 રહી હતી. જોકોવિચના પ્રશંસકોને આશા હતી કે ત્રીજા સેટમાં કોઈ ચમત્કાર થશે, પરંતુ લયમાં ચાલી રહેલા સિનરે ત્રીજો સેટ પણ 6-4 થી જીતીને મેચ સરળતાથી પોતાના નામે કરી લીધી હતી.
ઓસ્ટ્રેલિયન ઓપનની હારનો લીધો બદલો
આ જીત સાથે જ જેનિક સિનરે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ની સેમિફાઇનલમાં જોકોવિચ સામે મળેલી હારનો હિસાબ બરાબર કરી લીધો છે. આ સાથે જ જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું સપનું ફરી એકવાર રોળાઈ ગયું છે. હવે 12 જુલાઈએ રમાનારી ફાઇનલમાં સિનરની ટક્કર વર્તમાન વર્લ્ડ નંબર 2 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે, જેણે તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન 2026 નું ટાઈટલ જીત્યું છે. આ બંને ખેલાડીઓ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો સિનર ઝ્વેરેવ સામે 9 મેચ જીતી ચૂક્યો છે, જેથી ફાઇનલ ટક્કર ખૂબ જ રસપ્રદ બની રહેશે.
મહિલા સિંગલ્સમાં ચેક રિપબ્લિકની ખેલાડીઓ વચ્ચે ફાઇનલ
બીજી તરફ વિમ્બલ્ડન 2026 ની મહિલા સિંગલ્સની વાત કરીએ તો, 11 જુલાઈએ રમાનારી ફાઇનલ મેચમાં ચેક રિપબ્લિકનો દબદબો જોવા મળશે. ખિતાબી મુકાબલામાં ચેક રિપબ્લિકની બે દિગ્ગજ મહિલા ખેલાડીઓ લિન્ડા નોસ્કોવા અને કેરોલિના મુચોવા આમને-સામને ટકરાશે.
