Surat News : સુરતમાં ઈમરજન્સી કેસ લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સને સાઈડ ના આપનારો શખ્સ અંતે ઝડપાઈ ગયો છે. સુરતમાં 17 મે, 2025એ 108 એમ્બ્યુલન્સની આગળ બીઆરટીએસ રૂટમાં કાર હંકારનારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઈમરજન્સી હોવા છતાં પણ એમ્બ્યુલન્સને સાઈડ આપવામાં આવી ન હતી. જેથી મેડિકલ ઇમરજન્સીના કોલ માટે જઈ રહેલી એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી પડી હતી.
આ બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી મોયુનુદ્દીન મહંમદ ચાંદી વાલા નામના કારચાલકને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કારચાલકે પોતાના બચાવમાં કારમાં બાળકે ચાલુ કરેલા મ્યુઝિક સિસ્ટમમાં સાયરન ન સંભળાયું હોવાનો બચાવ કર્યો હતો.
બીઆરટીએસ રૂટમાં કાર ચલાવવી ગેરકાયદેસર છે. તેમ છતાં કારચાલક ભેસ્તાન ઉન તરફ જવાના બીઆરટીએસ રૂટ ઉપર પોતાની કાર સતત હંકારતો હતો. પાછળથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત સાયરન વગાડવામાં આવી રહ્યું હોવા છતાં પણ સાઈડ આપતો ન હતો અને તેની કારને એમ્બ્યુલન્સની આગળ ચલાવતો હતો. વીડિયો વાઇરલ થતાં પોલીસે અને ટ્રાફિક વિભાગે કારચાલકની તપાસ શરૂ કરી હતી અને ઝડપી પાડ્યો હતો.
સુરત 108 એમ્બ્યુલન્સના મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું કે, હરીનગરથી એમ્બ્યુલન્સ નીકળી હતી. 16 તારીખે રાત્રે 9: 54 મિનિટનો મેડિકલ ઈમરજન્સીનો કોલ આવ્યો હતો જેમાં કોલ પર જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ બેભાન અવસ્થામાં છે તેથી 108ની એમ્બ્યુલન્સ ઝડપથી લોકેશન ઉપર પહોંચવા માટે હરિનગરથી 13 કિલોમીટર દૂર લોકેશન પર નીકળી હતી. સામાન્ય રીતે એમ્બ્યુલન્સને અંતર કાપવા માટે 17થી 18 મિનિટ જેટલો સમય લાગે છે, પરંતુ એમ્બ્યુલન્સની આગળ બીઆરટીએસ રૂટ ઉપર જે કારચાલક હતો તેણે સાઈડ ના આપ્યું હોવાને કારણે 26 મિનિટ કરતાં વધારે સમય વેડફાઈ ગયો હતો. અંદાજે લોકેશન પર પહોંચવામાં 10 મિનિટનો સમય વધુ લાગ્યો હતો.
ટ્રાફિક વિભાગના PSI એસ.એફ. ગોસ્વામીએ જણાવ્યું કે, ગઈકાલે એમ્બ્યુલન્સની આગળ જે કાર ચલાવવાનો વીડિયો વાઇરલ થયો હતો તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે કાર બીબીની વાડી રાણી તળાવ ખાતે રહેતા મોયુનુદ્દીન મહંમદ ચાંદીવાલાની હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા નંબર અને કારની ઓળખ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, કારમાં પોતાના બાળકે મ્યુઝિક સિસ્ટમ જોરથી શરૂ કરી દીધી હોવાથી એમ્બ્યુલન્સનું સાયરન સંભળાયું ન હતું. પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારે ઇમરજન્સી વાહનની આગળ ક્યારેય પણ વાહન હંકારવું નહીં, એમ્બ્યુલન્સ હોય કે ફાયરની ગાડી કે અન્ય કોઈપણ ઈમરજન્સી વાહન પોતાનું સાયરન વગાડતો હોય ત્યારે ઝડપથી પોતાનું વાહન સાઈડ ઉપર કરી લેવું જોઈએ.
આ પણ વાંચો:કચ્છમાં ઈન્ડિયા બ્રિજ બોર્ડર પાસેથી શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:કચ્છમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતીને લઈ જાહેરાત
આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે
