Vadodara News : નવા વર્ષના પ્રારંભે વડોદરાના આજવા રોડ ખાતે નારાયણધામ સોસાયટી વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. 28 વર્ષીય યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકી નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો હતો ને તેની હત્યા થઈ ગઈ. આરોપીએ ખંજરના ઘા મારીને અક્ષયની હત્યા કરી, જેના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV, FSL અને હથિયારની તપાસ સાથે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારે ફાંસીની સજાની માગ કરી છે.
બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી નારાયણધામ સોસાયટી વિભાગ બે આજવા રોડ પાસે ફતેપુરા વિસ્તારમાં રહેતા યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી છે. આ યુવકને આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઈ સોલંકી (રહે. ગાયત્રી પાર્ક સોસાયટી નારાયણધામની બાજુમાં આજવા રોડ બાપોદ) દ્વારા ખંજરના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જોકે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બાપોદ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.બાપોદ પોલીસે આરોપીની અટકાયત કરી છે. આ બનાવમાં FSL પણ કરવામાં આવ્યું છે . આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર. હત્યાના બનાવ આસપાસમાં CCTV, અને હત્યા અંગેનું કારણ જાણવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક યુવકની પીએમ ચાલી રહ્યું છે. મૃતકના પરિવારની માગ છે કે પરિવારને ન્યાય મળે.
આ અંગે મૃતકનાભાઈ મિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે મૃતક અક્ષય સોલંકી મારો નાનો ભાઈ છે. રાત્રે સાડાઅગિયાર વાગે જમવા માટે બહાર નીકળ્યો હતો. મોડીરાત્રે તેના મિત્રોને નારાયણધામ સોસાયટી બાજુ નવા વર્ષના કારણે મળવા માટે ગયો હતો. રાત્રે મારા મામાના દીકરાનો કોલ આવ્યો કે તમારા ભાઈની હત્યા થઈ છે. તેને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે.
મારી એક જ માંગ છે કે આરોપી મારા ભાઈની હત્યા કરી છે તો સામેવાળાને પણ ફાંસીની સજા થાય એવી માગ છે. આ બંને મિત્રો ના હતા.આ અંગે ACP એમ. પી. ભોજાણીએ જણાવ્યું હતું કે, અક્ષય સોલંકીની હત્યા કરનાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકીની ધરપકડ કરી રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં આ હત્યા પાછળ આરોપીએ જૂની અદાવત અને સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આરોપીના ઘર પાસે ચા-નાસ્તો કરતી વખતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં મૃતકે લાફો મારતા આરોપીએ પોતાના ઘરેથી ખંજર લાવી મૃતકના છાતીના ભાગે ઘા મારી હત્યા કરી. મૃતક અગાઉ 7 ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે, જેમાં મારામારી જેવી ગંભીર ફરિયાદો નોંધાયેલી છે. આ સાથે આરોપી પણ એક ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી બોયફ્રેન્ડે જ કરી હત્યા
આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ
