Junagadh News/ માંગરોળમાં દોઢ મહિનાથી મેઘરાજા ગાયબ! નાની ચોટલી વિરડીમાં ખેતી સુકાઈ, પશુપાલકો ઘાસચારા માટે પરેશાન

Mangrol Rain Crisis: માંગરોળના નાની ચોટલી વિરડીમાં દોઢ મહિનાથી વરસાદ ન પડતા મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. કૂવાના પાણી ઘટતાં ખેડૂતો અને મોંઘા ઘાસચારાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Others Top Stories Gujarat
Mangrol Rain Crisis: 40 ઈંચ વરસાદ બાદ દોઢ મહિનાથી બૂંદ નહીં! માંગરોળમાં મગફળી સુકાઈ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાની ચોટલી વિરડી ગામમાં ચોમાસા દરમિયાન લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતો અને માલધારીઓ મુશ્કેલીમાં (Mangrol Rain Crisis) મુકાયા છે. શરૂઆતમાં આશરે 40 ઈંચ વરસાદ પડ્યા બાદ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન પડતાં જમીનમાં ભેજ અને કૂવાના પાણીના સ્તર ઘટી રહ્યા છે. પરિણામે ઊભા પાક સુકાવા લાગ્યા છે અને પશુપાલકો સામે ઘાસચારાની પણ મુશ્કેલી ઊભી થઈ છે.

કૂવાના તળ ઊંડા જતાં સિંચાઈની મુશ્કેલી

સ્થાનિક વાડી વિસ્તારોમાં કૂવાના પાણીના સ્તર નીચે જતા સિંચાઈ (Mangrol Rainfall) માટે પમ્પિંગ મોટર પણ મર્યાદિત સમય ચાલી રહી છે. પાણીની અછતને કારણે મગફળી સહિતના પાક પર અસર (Peanut Crop Damage)  પડી છે. ખેડૂતના જણાવ્યા મુજબ, શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હોવા છતાં હાલ ખેતર અને કૂવામાં પૂરતું પાણી બચ્યું નથી. વરસાદ નહીં આવે તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

Mangrol Rain Crisis: મોંઘા ઘાસચારાથી પશુપાલકો પર ભાર

વરસાદ ખેંચાતા પશુઓ માટે ઘાસચારાની પણ અછત સર્જાઈ છે. સ્થાનિક માલધારીઓએ જણાવ્યું કે પશુઓને જીવંત રાખવા માટે બહારથી મોંઘો ઘાસચારો ખરીદવો (Fodder Shortage) પડે છે. ખાણ, દાણ અને ખોળના ભાવ ગુણીદીઠ રૂ.2,000થી રૂ.2,100 સુધી પહોંચ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે દૂધના યોગ્ય ભાવ ન મળતાં પશુપાલનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે.

દેવાના બોજ વચ્ચે ખેડૂતો-માલધારીઓની મુશ્કેલી

માલધારીના જણાવ્યા મુજબ, વર્ષ 1971-72 દરમિયાન ગીર વિસ્તારમાંથી અહીં સ્થળાંતરિત થયેલા પરિવારોને જમીન આપવામાં આવી હતી, પરંતુ પૂરતી સિંચાઈ સુવિધા ન હોવાથી ખેતી મુશ્કેલ બની છે. મોંઘા ઘાસચારા અને ખેતીના ખર્ચ વચ્ચે બેંકો તથા સરકારી ધિરાણની લોન ભરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

સરકાર પાસે રાહત પેકેજની માગ

સ્થાનિક ખેડૂતો અને માલધારીઓએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી નુકસાનનું આકલન કરવાની માગ કરી છે. સાથે જ યોગ્ય વળતર, રાહત દરે ઘાસચારો અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા હવે સમગ્ર વિસ્તારના લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો: સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદ: આવાસનો ડ્રો અટકાવ્યો, 31મીએ હાઇકોર્ટમાં સુનાવણી

આ પણ વાંચો: રસ્તા પર જોખમી સ્ટંટ ભારે પડ્યો! અમદાવાદમાં રીક્ષા ચાલક VIDEO વાયરલ બાદ ઝડપાયો

આ પણ વાંચો: મનરેગામાં ‘મજૂરો’ના નામે કરોડોની રમત? રાણીપુરામાં રૂ.3થી 4 કરોડની ગેરરીતિના આક્ષેપ