ગેર વર્તન/ પદ્મ પુરષ્કાર વિજેતાનું અપમાન, 91 વર્ષીય માયાધર રાઉતને કરાયા બેઘર

માયાધર સહીત અન્ય કલાકારોને ત્યાંથી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમની ફાળવણી  2014માં રદ્દ કરવામાં આવી હતી. 

India
માયાધર
  • ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે માયાધરને કર્યા બેઘર
  • દિલ્હીમાં એશિયન સ્પોર્ટ્સ વિલેજમાં હતું ઘર
  • માયાધર સહીતના કલાકારોને કાઢવાની કાર્યવાહી
  • પિતાને જમવાનું પણ ન આપવા દીધું: મધુમિતા રાઉત

પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત 91 વર્ષીય ઓડિસી નૃત્ય ગુરુ માયાધર રાઉતને ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે બેઘર બનાવી દીધા છે. માયાધરને દક્ષિણ દિલ્હીના એશિયન સ્પોર્ટ્સ  વિલેજમાં સરકારી ઘર ફાળવવામાં આવ્યું હતું. મંગળવારથી માયાધર સહીત અન્ય કલાકારોને ત્યાંથી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમની ફાળવણી  2014માં રદ્દ કરવામાં આવી હતી.  આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 2020માં કલાકારોને ઘર ખાલી કરવાની નોટિસ જાહેર કરી હતી. જે બાદ બિરજૂ મહારાજ  સહિત અનેક કલાકારોએ કોર્ટમાં અરજી કરી હતી.

સંસ્કૃતિ મંત્રાલયની ભલામણ બાદ 1970ના દશકામાં કલાકારોને ઘણાં ઓછા ભાડે 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર ઘર ફાળવવામાં  આવ્યા હતા. જેને દર 3 વર્ષે રિન્યૂ કરાવવામાં આવતો હતો. 2014 પછી આ કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કરાયો. જેને લઈને કલાકારો પર ઘર ખાલી કરાવવાનું દબાણ વધી રહ્યું  હતું. એશિયાડ સ્પોર્ટસ વિલેજમાં રહેતા આ કલાકારોને 31 ડિસેમ્બર 2020 સુધીમાં ઘર ખાલી કરાવવાનો સમય અપાયો હતો. કેબિનેટ કમિટીએ 27 કલાકારોને 2014 પછી  ઘરોમાં રહેવા માટે કુલ 32.09 કરોડનું ભાડું માફ કરવાનો નિર્ણય લેવાયો અને તેમને 31 ડિસેમ્બર સુધીમાં ઘર ખાલી કરવાનો સમય આપ્યો.માયાધર રાઉતની દીકરી  મધુમિતા રાઉતે કહ્યું કે કલાકાર 25 ફેબ્રુઆરીએ ઘર ખાલી કરાવવા સામેનો કેસ હારી ગયા હતા અને તેમની પાસે ત્યાં એશિયાઈ સ્પોર્ટસ વિલેજમાં ઘરોને ખાલી કરાવવા  માટે 25 એપ્રિલ સુધીનો સમય હતો.

તેમને કહ્યું કે કલાકારે દિલ્હી હાઈકોર્ટમાં એક અપીલ કરી હતી, જેના પર બુધવારે સવારે સુનાવણી થવાની હતી.મધુમિતાએ વધુમાં  જણાવ્યું કે અધિકારીઓને ખ્યાલ હતો કે અપીલ પર બુધવારે સુનાવણી થવાની છે, તેથી તેઓ કર્મચારીઓ અને પોલીસની સાથે મંગળવારે આવીને પરાણે સામાન બહાર  ફેંકવા લાગ્યા. તેઓએ કાર્યવાહી બપોરે 1 વાગ્યાથી શરૂ કરી, જ્યારે હું પિતાને બપોરે જમવાનું આપી રહી હતી. મધુમિતાએ પિતાને જમાડ્યા બાદ કાર્યવાહીની અપીલ કરી  પરંતુ અધિકારીઓએ એક વાત માની ન હતી.

એસ્ટેટ નિયામકના અધિકારી પ્રમાણે, કલાકારોને ઘર ખાલી કરાવવાની કાર્યવાહી યથાવત રહેશે, કેમકે કોર્ટે બુધવારે  કલાકારોને રાહત આપી ન હતી. અધિકારીએ કહ્યું કે જે 28 કલાકારોને મકાન ફાળવવામાં આવ્યા હતા તેમાંથી 17 નોટિસ મળ્યા બાદ જતા રહ્યાં હતા. આગામી એક  સપ્તાહમાં અન્ય વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. જો કે અન્ય કલાકારોએ 2 મે સુધીમાં ઘર ખાલી કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત