Mayur Dyestuff IT Raid Update Ahmedabad: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી જાણીતી કેમિકલ કંપની ‘મયુર ડાયકેમ’ પર આવકવેરા વિભાગ (IT) ની તવાઈ રવિવારે સતત ત્રીજા દિવસે પણ જારી રહી છે. શુક્રવાર સવારથી શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. તપાસ દરમિયાન આઈટી વિભાગને ટેક્સ ચોરીના પાકા પુરાવા અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોની વિગતો હાથ લાગી છે.
IT Raid: પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસ
વટવા જીઆઈડીસીમાં આવેલી કંપનીની ઓફિસ અને ફેક્ટરી પર 100થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે આઈટીની તપાસ ચાલી રહી છે. આ દરોડા અંતર્ગત કંપનીના માલિક મયુર પટેલ, તેમના ભાગીદારો અને સ્વજનોના અમદાવાદ તેમજ વડોદરાના પાદરા સ્થિત નિવાસસ્થાનો પર પણ આઈટીની ટીમો ત્રાટકી છે. આ સઘન તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે, અને આ ઉપરાંત અનેક બેંક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા છે.
નિકાસના બિલોમાં ગોલમાલની શંકા
મયુર ડાયકેમ ખાસ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરે છે અને મોટા પાયે વિદેશમાં નિકાસ (Export) કરે છે. આઈટી વિભાગ અત્યારે ખાસ કરીને કંપની દ્વારા કેટલી નિકાસ કરવામાં આવી અને તેના બદલામાં કેવી રીતે પેમેન્ટ મેળવવામાં આવ્યું તેની એક્સપોર્ટ એન્ટ્રીઓ તેમજ ટેક્સ બચાવવા માટે બોગસ બિલો કે હવાલા એન્ટ્રીઓ પાડવામાં આવી હતી કે કેમ તે મુદ્દાઓ પર ફોકસ કરી રહ્યું છે. આ સાથે જ, ગુજરાતના અન્ય મોટા કેમિકલ ઉત્પાદકો અને વેપારીઓ પણ મયુર ડાયકેમ સાથે સીધા સંકળાયેલા હોવાની વિગતો સામે આવી રહી હોવાથી આગામી સમયમાં આ તપાસનો વ્યાપ વધુ વધી શકે તેવી શક્યતા છે.
કરોડોના ટ્રાન્જેક્શન ખંગાળાયા
પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાના એવા વ્યવહારો મળી આવ્યા છે જેનો કોઈ હિસાબ કંપનીના ચોપડે નથી. ડિજિટલ ડેટા અને ડાયરીઓમાંથી મળેલી વિગતોના આધારે અધિકારીઓ અત્યારે મયુર પટેલ અને તેમના ભાગીદારોની પૂછપરછ કરી રહ્યા છે. રવિવાર મોડી રાત સુધીમાં આ સર્ચ ઓપરેશનમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: વારી સોલાર કંપનીમાં ITના દરોડા, બ્લેકમની અંગે ખુલાસો થવાની સંભાવના
આ પણ વાંચો: ITના દરોડાની કાયર્વાહી, રાધે ગૃપના કરોડોના દસ્તાવેજ કરાયા જપ્ત
આ પણ વાંચો: અમદાવાદમાં CID, ITના દરોડા બાદ આંગડિયા પેઢીને NCBની નોટિસ
