Gujarat News:રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચાનો વિષય બનેલા સાંસદ નિમુબેન બાંભણિયા (Nimuben Bambhaniya) અને રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી (Purushottam Solanki) વચ્ચે અણબનાવની અટકળોનો આખરે અંત આવ્યો છે. મુંબઈના અંધેરીમાં આયોજિત ગણેશોત્સવ કાર્યક્રમમાં નિમુબેનની હાજરી અને પુરુષોત્તમ સોલંકી સાથેની તેમની ભાવનાત્મક મુલાકાતે આ બધી ચર્ચાઓનો અંત લાવી દીધો છે.
ગયા વર્ષે જુલાઈમાં પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશના જન્મદિવસની ઉજવણીમાં નિમુબેન બાંભણિયા હાજરી આપી શક્યા ન હતા. આ પ્રસંગે પુરુષોત્તમ સોલંકી ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે, “એવું લાગે છે કે બેન મારાથી ગુસ્સે છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “મેં બેન માટે શું ન કર્યું? તેમણે આવવું જોઈતું હતું, હું તેમને પ્લેનની ટિકિટ પણ મોકલી દેત.” આ નિવેદન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું અને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું નિમુબેન અને પુરુષોત્તમ સોલંકી વચ્ચે કોઈ ગેરસમજ છે?

આ બધી અફવાઓ અને અટકળોનો અંત ત્યારે આવ્યો જ્યારે સાંસદ નિમુબેન બાંભણિયા મુંબઈના અંધેરીમાં સોલંકી પરિવાર દ્વારા આયોજિત ગણેશોત્સવમાં પહોંચ્યા. આ પ્રસંગે નિમુબેને પુરુષોત્તમ સોલંકીને ગણેશજીની એક સુંદર તસવીર ભેટ કરી, જે બંને વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક બની ગઈ. નિમુબેનના આગમનથી પુરુષોત્તમ સોલંકી ખૂબ જ ખુશ દેખાતા હતા અને આ ભાવનાત્મક મુલાકાતથી ત્યાં હાજર તમામ લોકોના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ.

નિમુબેન બાંભણિયા અને પુરુષોત્તમ સોલંકીનો સંબંધ રાજકીય સહયોગથી આગળ વધીને કૌટુંબિક બંધનનું ઉદાહરણ બની રહ્યો છે. નિમુબેન પુરુષોત્તમ સોલંકીને પોતાનો ભાઈ માને છે, જ્યારે પુરુષોત્તમનો પુત્ર દિવ્યેશ નિમુબેનને ‘ફોઈ’ કહીને સંબોધે છે. આ કૌટુંબિક લાગણીઓએ બંને વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવ્યો છે.
ગણેશોત્સવમાં નીમુબેનની હાજરી અને પુરુષોત્તમ સોલંકી સાથેની તેમની ખુશ મુલાકાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે કોઈ કડવાશ કે ગેરસમજ નથી.
![]()
આ પણ વાંચો:“નમો સખી સંગમ મેળા”ને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો: નિમુબેન બાંભણિયા
આ પણ વાંચો:ભાવનગરમાં રૂ. 4,200 કરોડના ખર્ચે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનશેઃ નિમુબેન બાંભણીયા

